જૂનાગઢ, તા. 19 જાન્યુઆરી 2020, રવિવાર
જૂનાગઢના સરદારબાગ નજીક આજે બપોરે મેટાડોર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા તેના પર સવાર દંપતી ફંગોળાઈ ગયું હતું. જેમાં પત્નીની નજર સામે પતિનું મોત તયું હતું. જ્યારે મહિલાને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી. આ અકસ્માત બાદ સરદારબાગ નજીક બંને તરફ ટ્રાફિક જામ થયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ જમનાદાસ પાણેરી (ઉ.વ.૬૨) તથા તેમના પત્ની પ્રતિભાબેન પાણેરી આજે જેતપુર લગ્ન પ્રસંગ હોવાથી બસ સ્ટેન્ડ સુધી સ્કુટર પર જઈ ત્યાંથી બસમાં જેતપુર ગયા હતા. બપોરે અઢી વાગ્યા આસપાસ અરવિંદભાઈ તથા તેના પત્ની બસમાં પરત બસ સ્ટેન્ડ ખાતે આવ્યા હતા. અને બસ સ્ટેન્ડ ખાતે રાખેલું સ્કુટર લઈ મધુરમ તરફ જતા હતા.
આ દરમ્યાન તેઓ સરદારબાગ નજીક પહોંચ્યા ત્યારે જીજે ૦૬ એક્સ, એક્સ ૯૯૦૭ નંબરના મેટાડોરના ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અરવિંદભાઈ પાણેરી તથા પ્રતિભાબેન ફંગોળાઈ ગયા હતા. જેમાં અરવિંદભાઈ પર મેટાડોરના વ્હીલ ફરી વળતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે પ્રતિભાબેનને ઈજા થઈ હતી.
આમ પત્નીની નજર સામે જ પતિનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગે ગજેન્દ્રભાઈ અરવિંદભાઈ પાણેરીએ મેટાડોરના ચાલક સામે ફરિયાદ કરતા બી ડિવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માત બાદ સરદાર બાગથી તાલુકા સેવા સદનથી આગળ સુધી તેમજ રોડ બીજી તરફ બસ સ્ટેન્ડ સુધી ટ્રાપિક જામ સર્જાય હતો. જેને પોલીસે આવી પૂર્વવ્રત કરાવ્યો હતો.
બાયપાસ બંધ હોવાથી ભાર વાહના લીધે અકસ્માત
જૂનાગઢ બાયપાસ રોડનું હાલ રિપેરિંગ જ કામ ચાલુ રહ્યું છે. બાયપાસ બંધ હોવાથી ભારે વાહનો જુનાગઢ શહેરમાંથી પસાર થઈ રહ્યા છે. જેને લીધે શહેરમાં ટ્રાફિક થાય છે. અને આવા અકસ્માત બને છે. બાયપાસનું રિપેરીંગનું કામ ગોકળ ગાય ગતિએ ચાલી રહ્યું છે ત્યારે આવી ઘટના ન બને અને બાયપાસ ઝડપથી પૂર્વવ્રત થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવે અથવા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા થાય એવી માંગ ઉઠી છે. હાલ શહેરમાંથી પસાર થતા ભારે વાહનોના લીધે લોકોમાં ભય ફેલાયો છે.


