ગિરનારની લીલી પરિક્રમાનો કાઉન્ટડાઉન શરૂ: જંગલમાં પાણીની ટાંકીઓ, લાઈટિંગ અને અન્નક્ષેત્રોનો ધમધમાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Girnar Lili Parikrama 2026: મહાપવિત્ર ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવામાં હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા અન્નક્ષેત્રના સંચાલકો અને સેવાભાવી સંસ્થાઓને જંગલમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવતાની સાથે જ સમગ્ર 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ ઉત્સાહ અને સેવાભાવથી ધમધમવા લાગ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ અને પરિક્રમાર્થીઓની આગતા-સ્વાગતા માટે અન્નક્ષેત્રો શરૂ કરવાના ધમધમાટ વચ્ચે હાલ જંગલના દુર્ગમ વિસ્તારોમાં વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે.

જંગલમાં પાણીના મોટા સ્ટોરેજ ટેન્ક ટ્રકો મારફત ઉતારી દેવાયા
પરિક્રમા દરમિયાન સૌથી મોટી જરૂરિયાત કે સમસ્યા પાણીની રહેતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ વખતે આયોજકો દ્વારા વિશેષ આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. જંગલમાં પાણીના મોટા સ્ટોરેજ ટેન્ક ટ્રકો મારફત ઉતારી દેવામાં આવ્યા છે. તેમજ પાણીની લાઈનો ફિટિંગ કરવાનું અને હેન્ડપંપ તથા મોટરો દ્વારા પાણી પૂરું પાડવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

વિવિધ પોઈન્ટ્સ પર જનરેટર સેટ અને લાઈટિંગની વ્યવસ્થા
આ ઉપરાંત, વીજ પુરવઠા માટે જંગલના વિવિધ પોઈન્ટ્સ પર જનરેટર સેટ અને લાઈટિંગની વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી છે. પરિક્રમાર્થીઓ માટે ગરમાગરમ ભોજન અને મહાપ્રસાદ તૈયાર કરવા માટે અન્નક્ષેત્રના સંચાલકો અને સેવકો દ્વારા શાકભાજી, કરિયાણું, અનાજ તેમજ વિશાળ કદના રસોઈના વાસણો વાહનો દ્વારા જંગલના ખૂણે-ખૂણે પહોંચાડી દેવામાં આવ્યા છે. સેવકો દ્વારા અત્યારથી જ શાકભાજી સમારવાની, લોટ બાંધવાની અને ભોજન તૈયાર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગિરનારની કંદરાઓ અને હરિયાળા વાતાવરણ વચ્ચે સેવાભાવી યુવાનો અને અન્નક્ષેત્રના સંચાલકો ખડેપગે સેવા આપવા માટે તૈયાર થઈ ગયા છે.
મંડપ ફિટિંગ, ટેન્ટ ઉભા કરવા અને રસોડાની વ્યવસ્થાઓ આખરી ઓપ લઈ રહી છે. 20 નવેમ્બરની રાત્રિથી શરૂ થનારી આ અલૌકિક પરિક્રમામાં લાખો ભાવિક ભક્તો કુદરતના સાનિધ્યમાં આધ્યાત્મિક આરાધનાની સાથે અન્નક્ષેત્રના મહાપ્રસાદનો લાભ લેશે.

પરિક્રમામાં દૂધ, છાશ અને એલપીજીના ભાવ જાહેર
ગિરનાર પરિક્રમા દરમિયાન દૂધ, છાશ અને એલપીજીના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. નિયત ભાવ કરતા બે રૂપિયા પરિવહન દર વસૂલ કરવામાં આવશે. આ દરથી વધુ ભાવ વસૂલ કરનાર સામે કાર્યવાહી કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
નિયત કરતા વધુ ભાવ વસૂલ કરનાર સામે કાર્યવાહી કરવાનો દાવો
પરિક્રમા દરમિયાન પ્લાસ્ટીક પર પ્રતિબંધ હોવાથી દૂધ, છાશના ટ્રેટાપેક ઉપલબ્ધ કરાવવામાં આવશે. જીણાબાવાની મઢી ખાતે અમૂલ તાઝા ટ્રેટા મિલ્ક પેક 1 લીટરના 80 રૂપિયા, 500 એમએલના 42 રૂપિયા, ગોલ્ડ ટ્રેટાપેક 1 લીટરના 86 રૂપિયા, 500 એમએલના 45 રૂપિયા, બટરમિલ્ક ટ્રેટાપેક 200 એમએલના 15 રૂપિયા અને રોઝ લસ્સી 200 એમએલના 25 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે મઢી, બોરદેવી અને ત્રણ થાણાના રસ્તાની બાજુમાં તેમજ કાળકા વડલા નજીક મધર ડેરી ટ્રેટાપેક મિલ્ક 1 લીટરના 77 રૂપિયા, છાશના 15, લસ્સીના 20 અને મિલ્કશેકના 35 રૂપીયા અને તેના પર બે રૂપિયા પરિવહન દર નિયત કરાયો છે.
જ્યારે અભય ડેરી માટે બોરદેવીથી નાગદેવતા મંદિર વચ્ચે 1 લીટર દૂધના 75, 500 એમએલના 38 રૂપિયા નિયત કરાયા છે. આ સિવાયના તમામ સ્થળોએ એમઆરપી મુજબ દૂધ વિતરણ કરાશે. આ ઉપરાંત એલપીજી કોમર્શિયલ ગેસ સિલીન્ડર એમઆરપી મુજબ જ ઉપલબ્ધ કરાવાશે.




