જૂનાગઢ જિલ્લામાંથી માત્ર 18 સેમ્પલ લેવાતા ગાંધીનગરથી અધિકારીઓનો લેવાયો ઉધડો
- કોરોનાના વધતા જતા કહેર વચ્ચે અત્યાર સુધીમાં
ગાંધીનગરનાં આરોગ્ય વિભાગની સુચના મળ્યા બાદ જૂનાગઢ શહેરમાંથી ૩૬ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૧૨ સેમ્પલ લીઘા
જૂનાગઢ, તા.૧૧ એપ્રિલ, 2020 શનિવાર
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં માત્ર૧૮ સેમ્પલ જ લેવાયા હતા. જેમાંથી તમામ નેગેટીવ આવ્યા છે. જ્યારે અન્ય ચાર સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા છે. જૂનાગઢ જિલ્લામાંથી અત્યાર સુધીમાં માત્ર૧૮ સેમ્પલમાં લેવાયા છે. જેને લઇને ગાંધીનગરથી જૂનાગઢના અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો. અને વધુ સેમ્પલ લેવા સુચના અપાતા તંત્ર દોડતું થયું હતું અને આજે ફરીથી સર્વે શરૂ કર્યો હતો અને જૂનાગઢ મનપા વિસ્તારમાંથી ૩૬ તથા જિલ્લામાંથી ૩૬ મળી ૧૧૨ સેમ્પલ એક જ દિવસમાં લઇ તેને લેબોરેટરીમાં મોકલાયા છે.
હાલ સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના પોઝીટીવ કેસ સતત વધી રહ્યા છે. જૂનાગઢમાં હજુ સુધી એક પણ પોઝીટીવ કેસ સામે આવ્યો નથી. લોકડાઉન થયું ત્યારથી અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાંથી શંકાસ્પદ લક્ષણ ધરાવતા ૧૮ વ્યકિતના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે તમામનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જ્યારે આજે સવારે વધુ ચાર સેમ્પલ લઇ ભાવનગર મોકલાયા છે.
ગઇકાલે વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ગાંધીનગર થી અગ્ર આરોગ્ય સચિવે આરોગ્ય તંત્ર તથા વહિવટી તંત્ર પાસેથી અત્યાર સુધીમાં થયેલા સર્વે તેમજ સેમ્પલની સંખ્યા અંગેની વિગતો માંગી હતી. જેમાં અત્યાર સુધીમાં ૧૮ સેમ્પલ લેવાયા હોવાનું જણાવાતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવે જૂનાગઢના અધિકારીઓનો ઉધડો લીધો હતો અને માત્ર ૧૮ સેમ્પલ લેવા અંગે સવાલ કર્યો હતો. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જે સાડા છ લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યો હોવાના દાવા સામે પણ શંકા વ્યકત કરી હતી અને નવેસરથી સર્વેકરવા અને વધુ સેમ્પલ લેવાની સુચના આપી હતી.
આ સુચનાના અનુસંધાનેઆજે તંત્ર દોડતું થયું હતું અને આજથી નવેસરથી સર્વે શરૂ કર્યો હતો અને જૂનાગઢ મનપા વિસ્તારમાંથી તાવ, શરદી, ઉઘરસ જેવા લક્ષણ ધરાવતા ૩૬ તથા ગ્રામ્ય વિસ્તારમાંથી ૭૬ મળી કુલ ૧૧૨ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ સર્વેલન્સ બેઝડ સેમ્પલ્સને રાજકોટ ખાતે મોકલાયા હતા.
અત્ર સુધીમાં ૧૮ સેમ્પલ લેવાયા હતા. જ્યારે આજે એક જ દિવસમાં ૧૧૨સેમ્પ લેવાયા છે. જ્યારે આગામી બે - ત્રણ દિવસમાં ૨૫૦ થી વધુ સેમ્પલ લેવામાં આવશે. આમ ગાંધીનગર થી આવેલી સુચના બાદ આરોગ્ય તંત્ર તથા વહિવટી તંત્ર દોડતું થયું હતું. હવે આ સેમ્પલના શું રિપોર્ટ આવે છે. તેની રાહ જોઇ રહ્યું છે.