જૂનાગઢ, તા.04 માર્ચ 2020, બુધવાર
આવતી કાલે તા. ૫ માર્ચથી ધો.૧૦,૧૨ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના ૩૩ કેન્દ્રો પર આવતી કાલથી ધો. ૧૦,૧૨ની પરીક્ષા લેવાશે. અને ધો. ૧૦ ના ૩૦,૬૦૦, ધો. ૧૨સા.પ્ર.ના ૨૦૭૭૨ અને વિ.પ્ર.ના ૪૧૫૦ મળી કુલ ૫૬૦૧૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સંવેદનશીલ કેન્દ્રો પર અન્ય જિલ્લાની સ્કવોડ અને ઓબ્ઝર્વેર ત્રણે ત્રણ કલાક કેન્દ્ર પર રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા આવતી કાલે તા. ૫ માર્ચથી ધો.૧૦,૧૨ની પરીક્ષા શરૂ થશે. જૂનાગઢ જિલ્લામાં ધો. ૧૦ ના ૧૯ કેન્દ્ર પર ૩૦૬૦૦ અને ધો. ૧૨ સામાન્ય અને વિજ્ઞાાન પ્રવાહના ૧૪ કેન્દ્ર પર ૨૪૮૨૨ વિદ્યાર્થી પરીક્ષા આપશે.
જૂનાગઢ જિલ્લાના ધો. ૧૦ ના ૧૯ કેન્દ્રોમાંથી ૧૨ કેન્દ્રો સંવેદનશીલ અને ધો. ૧૨ ના ૧૪ કેન્દ્રોમાંથી સાત સંવેદનશીલ અને એક કેન્દ્ર અતિસંવેદનશીલ છે. ત્યાં વિશેષ તદેકારી રાખવામાં આવશે.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી નૈષધભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સંવેદનશીલ કેન્દ્રો પર અન્ય જિલ્લાની સ્કવોર્ડ તથા કલેકટર દ્વારા વર્ગ- ૧,૨ના અધિકારીઓની ઓબ્ઝર્વેર તરીકે નિમણુંક કરવામાં આવી છે. તે આ કેન્દ્રો પર પરીક્ષા દરમ્યાન રહેશે. ગેરરિતી ન થાય તેનું ધ્યાન રાખશે.
ધો. 10 માં 100 તથા ધો. 12 ના 87 વિદ્યાર્થીએ લહીયો રાખશે
જૂનાગઢ જિલ્લામાં ધો. ૧૦ ના ૩૮ અંધ, ૪૦ માનસિક અશક્ત, અને ૨૨ દિવ્યાંગ મળી કુલ ૧૦૦ વિદ્યાર્થીઓ લહીયો રાખશે. જ્યારે ધો. ૧૨ ના ૧૨ અંધ, ૨૫ માનસિક અશક્ત અને ૫૦ દિવ્યાંગ મળી કુલ ૮૭ વિદ્યાર્થીઓ લહીયો રાખશે.


