ગોકરણના યુવાનની હત્યામાં વધુ ચાર શખ્સોની ધરપકડ
- જૂનાગઢ તાલુકાના પ્લાસવાની સીમમાં
- સસ્તા સોનાની ડીલ રદ થતા અપહરણ કરી પ્લાસવાની સીમમાં હાથ બાંધી ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દાટી દીધો હતો
જૂનાગઢ,તા. 14 ડિસેમ્બર 2019, શનિવાર
જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામની સીમમાં થયેલી ગોકરણ ગામના યુવાનની હત્યા મામલે એલ.સી.બી.એ ઈવનગર રોડ પર ડમ્પ યાર્ડ પાછળ આવેલી વાડીમાં છુપાયેલા ચાર શખ્સોની ધરપકડ કરી તાલુકા પોલીસને સોંપ્યા છે. આ શખ્સોએ સસ્તા સોનાની ડીલ રદ થતા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે જતા રહેલા યુવાનનું ત્યાંથી ્અપહરણ કરી પ્લાસવાની સીમમાં લઈ જઈ તેના હાથ બાંધી બેફામ મારમારી મોતને ઘાટ ઉતારી દાટી દીધો હતો.
આ અંગેની વધુ વિગત મુજબ કુતિયાણા તાલુકાના ગોકરણ ગામમાં રહેતા મેણંદ નાથા લુવા (ઉ.વ.૨૩) નામનો યુવાન ગત તા.૬ ડિસે.થી ગુમ હતો. આ યુવાનના મોબાઈલ ફોનના નંબરના આધારે કુતિયાણા પોલીસે જૂનાગઢના શિશુમંગલ પાસે રહેતા અજય અરજણ બાંટવાની પૂછપરછ કરી હતી. જેમાં તેણે સસ્તા સોનાની ડીલ માટે મેણંદ લુવાને ફોન કરી જૂનાગઢ બોલાવ્યો હતો.
પરંતુ ડીલ રદ થઈ હતી. મેણંદ બસસ્ટેન્ડ ખાતે જતો રહ્યો હતો. ત્યાંથી પોતે તથા અન્ય ચાર શખ્સોએ તેનું અપહરણ કરી પ્લાસવાની સીમમાં લઈ જઈ તેના હાથ બાંધી બેફામ માર માર્યો હતો. તેની હત્યા કરી અવાવરૂ સ્થળે લાશ દાટી દીધી હતી. ગઈકાલે કુતિયાણા પોલીસેે જૂનાગઢ પોલીસની મદદથી અજયને સાથે રાખી પ્લાસવાની સીમમાંથી લાશ બહાર કાઢી હતી.
આ મામલે ગોકરણ ગામના રામભાઈ લક્ષ્મણભાઈ લુવાએ જૂનાગઢના શિશુ મંગલ નજીક રહેતા અજય અરજણ બાટવા, ગાંધીગ્રામ સિંધી સોસાયટીમાં રહેતા પિન્ટુ યોગેશ બાબરીયા, આશિષ મુંજા ઉર્ફે ભગત વાંદા, બાવન ઉર્ફે નાથો, ઉર્ફે ટકો ભીખા કોડીયાતર તથા જીજ્ઞોશ ઉર્ફે જગુ પબા કોડીયાતર સામે જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ કરી હતી.
એસ.પી. સૌરભસિંહે આ હત્યા મામલે એલ.સી.બી.ની બે, એસ.ઓ.જી.ની એક તથા તાલુકા અને સી.ડિવિઝનની એક એક ટીમને કામે લગાડી હતી. આ દરમ્યાન ફરાર શખ્સો ઈવનગર રોડ પર આવેલા ડમ્પર યાર્ડ પાછળના ભાગે આવેલી આશિષ મુંજા વાંદાની વાડીમાં છુપાયા હોવાની બાતમીના આધારે એલ.સી.બી. પી.આઈ.આર.સી. કાનમિયા, પી.એસ.આઈ. આર.કે. ગોહિલ સહિતના સ્ટાફે ત્યાં જઈ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસને જોઈ આ શખ્સોએ ભાગવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ચારેયને પકડી તેની ધરપકડ કરી તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યા હતાં.