શિયાળના મૃતદેહ તથા જીવિત ચંદન ઘો સાથે આઠ શિકારી ઝડપાયા
- માણાવદર તાલુકાના વડાળા ગામના ગૌચરમાંથી
- રાંધીને ખાવાના ઈરાદાથી વન્યપ્રાણીનો શિકાર કર્યાનું ખૂલ્યું,
ત્રણ બાઈક તથા શિકાર કરવા માટેની પ્લાસ્ટીકની જાળ કબજે
માણાવદર તાલુકાના વડાળા ગામના ગૌચરમાંથી વનવિભાગના સ્ટાફે શિયાળના મૃતદેહ તથા જીવીત ચંદન ઘો સાથે આઠ શિકારીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી ત્રણ બાઈક તથા શિકાર માટેની પ્લાસ્ટીકની જાળ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખ્સોએ પ્રાણીઓને રાંધીને ખાવાના ઈરાદાથી શિકાર કર્યો હોવાનું વનતંત્રની પૂછપરછ દરમ્યાન ખૂલ્યું હતું.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ માણાવદર તાલુકાના બાંટવા બીટ હેઠળના વડાળા ગામના ગૌચર વિસ્તારમાં વનતંત્રનો સ્ટાપ ફેરણામાં હતો ત્યારે આઠ શખ્સો શંકાસ્પદ હીલચાલ કરતા જોવા મળ્યા હતા. આથી વનતંત્રના સ્ટાફે આ શખ્સોને રોકી પૂછપરછ કરી હતી અને તેની પાસે રહેલી થેલીમાં તપાસ કરતા તેમાંથી શિયાળનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે બીજી થેલીમાંથી જીવીત ચંદનઘો મળી આવી હતી. તેમજ શિકાર કરવા માટેની પ્લાસ્ટીકની જાળ પણ મળી આવી હતી.
શિયાળનો મૃતદેહ તથા જીવીત ચંદનઘો મળી આવતી વનવિભાગના સ્ટાફે માણાવદરના વિક્રમ ભાણા પરમાર, રમેશ દેવા ગોહેલ, દિનેશ ધીરૂ પરમાર, રાજુ ગુલાબ ગોહેલ, આકાશ નાનજી પરમાર, જેન્તી બચુ ગોહેલ, ભરત ધીરૂ પરમાર તથા ચોરવાડના પોપટ કેશુ બામણીયાને ઝડપી લઈ તેની સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ મુજબ ગુનો નોંધી અટકાયત કરી હતી અને ત્રણ બાઈક, છ પ્લાસ્ટીકની જાળ, સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.