તોફાની પવનને લીધે પતરા 150 ફુટ ઉડી વીજ તાર પર પટકાયા
- તોફાની પવનને લીધે પતરા ૧૫૦ ફુટ ઉડી વીજ તાર પર પટકાયા
- જૂનાગઢ પંથકમાં માવઠા સાથે ફુંકાયુ મીની વાવાઝોડું, અનેક વૃક્ષો ધરાશાયી
જૂનાગઢના સાબલપુર ચોકડીથી વડાલ વચ્ચે માવઠા સાથે ભારે પવન ફુંકાતા પતરા ૧૦૦ થી ૧૫૦ ફુટ ઉડયા હતા અને વીજ તાર પર પડયા હતા. તો અનેક વૃક્ષો તેમજ દસ થી વધુ વીજ પોલ પડી ગયા હતા.
જૂનાગઢ, તા. 13 મે, 2020, બુધવાર
જૂનાગઢના સાબલપુર ચોકડીથી વડાલ વચ્ચે આજે બપોર બાદ કમોસમી વરસાદ સાથે મિની વાવાઝોડું આવ્યું હતું અને ભારે પવનથી પતરા ૧૦૦ થી ૧૫૦ ફુટ ઉડયા હતા અને ૩૫ થી ૪૦ ફૂટ ઉંચા વીજ તાર ઉપર પડયા હતા. વડાલ હાઇવે પર અનેક વૃક્ષો તથા દસ થી વધુ જેટલા વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ગુલ થઇ ગયો હતો. તો જૂનાગઢથી વડાલનો રોડ થોડીવાર બંધ રહ્યો હતો. તેના પર પડેલા વૃક્ષો હટાવી પૂર્વવત્ કરાયો હતો.
સાબલપુર, ઝાલણસર, માખિયાળા ગામ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદને લીધે રસ્તા પર પાણી ફરી વળ્યાં, જૂનાગઢ-વડાલનો હાઈ-વે બંધ
જૂનાગઢ આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ વાતાવરણ પલ્ટાયુ હતું અને વાદળો છવાઇ ગયા હતા. જૂનાગઢના સાબલપુર ચોકડી, ઝાલણસર અને માખીયાળા તેમજ ભવનાથ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો અને રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા.સાબલપુર ચોકડીથી વડાલ વચ્ચે કમોસમી વરસાદ સાથે ભારે પવન ફુંકાયો હતો અને ત્યાં રહેલા કારખાના તેમજ પેટ્રોલ પમ્પના પતરા ૧૦૦ થી ૧૫૦ ફુટ ઉડયા હતા. એક પતરૂ તો ૩૫ થી ૪૦ ફુટ ઉંચા વીજ તાર ઉપર પડયું હતું. તો પેટ્રોલ પમ્પ પરથી પતરા ઉડી ખાનગી સ્કૂલની બસ પર પડતા બસની છત ચિરાઇ ગઇ હતી. આમ માવઠા સાથે મિની વાવાઝોડું ફુંકાતા આ વિસ્તારમાં અફડા-તફડી ફેલાઇ ગઇ હતી.
આ ઉપરાંત સાબલપુર ચોકડીથી વડાલ વચ્ચે અનેક વૃક્ષો ધરાશાયી થઇ જતા અને રોડ બંધ થઇ ગયો હતો અને હાઇવે ઓથોરિટીએ વૃક્ષોને હટાવી રસ્તો પૂર્વવ્રત કરાવ્યો હતો. જ્યારે આ વિસ્તારમાં દસ થી વધુ વીજ પોલ પડી ગયા હતા. તો અમુક વળી ગયા હતા. વીજ તંત્રના સ્ટાફે આ વિસ્તારમાં જઇ સર્વે શરૂ કર્યો હતો. પ્રાથમિક સર્વેમાં દસ થી વધુ વીજપોલ પડી ગયાનું સામે આવ્યું હતું. હજુ સર્વે પૂર્ણ થયા બાદ કેટલા વીજપોલ ધરાશાયી થયા તે સ્પષ્ટ થશે. વીજ પોલ પડી જવાથી આ વિસ્તારમાં એક - બે દિવસ વીજ પુરવઠો શરૂ થાય તેવી શક્યતા નથી. આમ જૂનાગઢના સાબલપુર ચોકડીથી વડાલ વચ્ચે માવઠા અને ભારે પવનના લીધે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.