જૂનાગઢમાં સોસાયટીઓ પર નજર રાખવા ડ્રોન ઉડાવવાનું શરૂ કરાયું
- ઘર બહાર નીકળતા લોકોને પકડવા પોલીસ દ્વારા કાર્યવાહી
- ફોન કેમેરામાં ટોળાં સ્વરૂપે એકત્ર થનાર અથવા ક્રિકેટ રમતા જોવા મળશે તો પોલીસ ત્યાં જઇ કરશે કાર્યવાહી
જૂનાગઢ, તા. 29 માર્ચ 2020, રવિવાર
જૂનાગઢ જિલ્લામાં લોકડાઉન હોવા છતાં અમુક લોકો સોસાયટીમાં ટોળા સ્વરૂપે એકત્ર થાય છે. તેમજ યુવકો ક્રિકેટ રમે છે. તેના પર નજર રાખવા પોલીસે ડ્રોન ઉડાવવાનું શરૂ કર્યુ છે. જેમાં ટોળા સ્વરૂપે એકત્ર થનાર અથવા ક્રિકેટ રમતા હોવાનું જોવા મળશે તો પોલીસ તે સ્થળે જઇ કાર્યવાહી કરશે.
હાલ કોરોના મહામારી સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન સ્થિતી છે. તેમ છતા જૂનાગઢ શહેરમાં અમૂક લોકો ગંભીરતા દાખવતા નથી. અને ઘર બહાર નીકળે છે. અને સોસાયટીમાં ટોળામાં એકત્ર થાય છે. અને અમુક યુવકો શેરી મહોલ્લા કે કોમન પ્લોટમાં ક્રિકેટ રમે છે. આ બાબત પોલીસના ધ્યાનમાં આવી છે જો પોલીસની ગાડી ત્યાં પહોંચે તો આવા લોકો ઘરમાં ઘૂસી જાય છે. અને પોલીસના હાથમાં આવતા નથી.
આવા લોકો ઘર બહાર નીકળેતો તેના પર નજર રાખવા પોલીસે સોસાયટી વિસ્તારોમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ શરૂ કર્યો છે. આજે એલ.સી.બી.પી.આઇ. આર.સી.કાનમીયા સહિતના સ્ટાફે મધુરમ-સહિતના વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
ડીવાય.એસ.પી.પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે સોસાયટીમાં એકત્ર થવું અને ક્રિકેટ રમવુ એ પણ ગુનો બને છે. હવેથી ડ્રોન મારફત નજર રાખી આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.