સિંગલ યુઝ્ડ પ્લાસ્ટીક કચરાનો રસ્તા બનાવવા માટે ઉપયોગ કરવા માગણી
- પ્લાસ્ટીક ઉદ્યોગથી હજારો લોકોને મળે છે રોજગારી
- પ્લાસ્ટીક કચરાના રસ્તા બનાવવામાં ઉપયોગ કરવાથી કચરાનો નિકાલ થશે અને રોડ પણ મજબુત થશે
જૂનાગઢ, તા. 28 ડિસેમ્બર 2019, શનિવાર
સરકાર દ્વારા સિંગલ યુઝ્ડ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉદ્યોગના લીધે હજારો લોકોને રોજગારી મળે છે. આ પ્લાસ્ટીકના કચરાનો યોગ્ય નિકાલ થઈ શકે તે માટે તેનો રસ્તા બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે એવી માંગ સાથે વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે.
વર્તમાન સમયમાં પ્લાસ્ટીક એ જીવન જરૂરી વસ્તુ સમાન બની ગયું છે. પ્લાસ્ટીક ઝડપથી નાશ પામતુ ન હોવાથી તેનો ઝડપથી નિકાલ થઈ શકતો નથી. આથી પ્લાસ્ટીકના કચરાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આથી સરકારે સિંગલ યુઝ્ડ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુક્યો છે.
સિંગલ યુઝ્ડ પ્લાસ્ટીક પર પ્રતિબંધના લીધે હજારો લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે ત્યારે પ્લાસ્ટીકના કચરાના યોગ્ય નિકાલ થાય તે માટે તેનો રસ્તો બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે એવી માંગ સાથે જૂનાગઢ ચેમ્બર ઓફ એગ્રીકલ્ચરના ચેરમેન વાલભાઈ બોરીચાએ વડાપ્રધાનને રજૂઆત કરી છે.
જેમાં તેઓએ જણાવ્યું છે કે પ્લાસ્ટીકનો કચરો એકત્ર કરવાના નિયમો કડક બનાવી તેનો કચરાનો રસ્તા બનાવવામાં ઉપયોગ થાય તો રસ્તા પણ મજબુત થશે અને કચરાનો યોગ્ય નિકાલ થઈ શકશે અને હજારો લોકો બેરોજગારીમાં હોમાતા બચી જશે. પ્લાસ્ટીક ઉદ્યોગનો સરકારની તિજોરીમાં પણ મોટો ફાળો છે. આથી લોકોની રોજગારી જળવાઈ રહે અને પ્લાસ્ટીકના કચરાનો પણ યોગ્ય નિકાલ થઈ શકે તેવી વ્યવસ્થાા કરવામાં આવે એ જરૂરી છે.