Get The App

દર પાંચ વર્ષે થતી ગીરનાં સિંહોની ગણતરી અંતે મોકૂફ રાખવા નિર્ણય

- વન વિભાગ દ્વારા જ ગણતરી કરવાની નીતિ સામે વિરોધ વંટોળ

- દર માસની પૂનમે સિંહોનું રૂટીન મુજબ અવલોકન કરવામાં આવશે: વનતંત્ર

Updated: Jun 3rd, 2020

GS TEAM

Google News
Google News
દર પાંચ વર્ષે થતી ગીરનાં સિંહોની ગણતરી અંતે મોકૂફ રાખવા નિર્ણય 1 - image


વિસાવદર, તા. ૩ જૂન, ૨૦૨૦ બુધવાર

કોરોનાવાયરસની મહામારીને લઈ અગાઉ સિંહ ગણતરી મોકુફ રહે તેવી શક્યતાઓ વચ્ચે ગણતરી માત્ર વનવિભાગના સ્ટાફ દ્વારા જ કરવાની તજવીજ શરૂ કરવામાં આવતા ચોતરફથી વિરોધનો વંટોળને પગલે દર પાંચ વર્ષે સિંહોની ગણતરી નહીં કરવામાં આવે પણ દર માસની પૂનમે થતું અવલોકન જ કરવામાં આવશે એવી વન વિભાગે આજે સત્તાવાર જાહેરાત કરવી પડી હતી.

ગીરના વનરાજોની દર પાંચ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે. વર્ષ ૨૦૨૦માં ઉનાળાના સમયમાં સિંહ ગણતરી કરવાનો સમય આવી ગયો હતો પરંતુ સમગ્ર દેશમાં લોકડાઉન હોવાના કારણે શક્ય ન બન્યું. સિંહોની ગણતરીમાં વનવિભાગનો સ્ટાફ, સ્વયંસેવી સંસ્થાઓ, નિષ્ણાંતો, પ્રકૃતિપ્રેમીઓ, સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડલાઇફ, નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડ લાઈફના સભ્યો, ઓબ્ઝર્વરો, રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ વનમંત્રીની રૂબરૂમાં ગણતરી કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે લોકો એકઠા કરવા શક્ય ન હોવાથી માત્ર વનવિભાગના સ્ટાફ અને પાંચ વર્ષ દરમિયાન દર માસની પુનમે કરવામાં આવેલા અવલોકનના આંકડા મુજબ ગણતરી કરવાનો તખ્તો ઘડાઈ ગયો હતો.

સિંહ પ્રેમીઓ, વિરોધ પક્ષનાનેતા સહિતનાઓએ એનો વિરોધનો સુર પુરાવી જણાવ્યું કે વનવિભાગ સિંહોના મોત, રેસ્ક્યુ, પી.એમ. રિપોર્ટ સહિતના અનેક પ્રશ્નોને લઇ શંકાના દાયરામાં  છે. વનવિભાગની વિશ્વસનીયતા સામે અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે માત્ર વનવિભાગ સિંહોની ગણતરી કરી સિંહોની સંખ્યાનો આંક વનવિભાગ જાહેર કરે તેની સામે  અનેક સવાલો થાય તેમ હતા સ્થાનિક ધારાસભ્ય, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને સિંહોની ગણતરીમાં રાખવા તેવી માંગ કરવામાં આવી રહી છે .

વન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિંહ ગણતરી કરવાનો તખ્તો ગોઠવાયો હોવાના ભાગરૂપે  સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં ફરજ બજાવતા દરેક વન કર્મીઓ અને અધિકારીઓનો કોરોના ટેસ્ટ ફરજીયાત કરાવી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગીર પૂર્વમાં કુદરતી પાણીના ોત વરસાદના કારણે શરૂ થઈ ગયા તેવા અનેક કારણોને લઇ સિંહોની ગણતરી મોકૂફ રાખવાની જાહેરાત કરી પરંતુ ફરીવાર ક્યારે સિંહોની ગણતરી કરવામાં આવે તેવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તા. ૫ અને ૬ એમ ૨૪ કલાક દર માસની પુનમે થતું સિંહોનું અવલોકન જ કરવામાં આવશે.

Tags :