જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયમાં જન્મેલા ત્રણ સિંહબાળના મોત
- તા,9,19 અને 20 એપ્રિલની ઘટના હવે જાહેર કરતું વન તંત્ર
- બે સિંહબાળના તેની માતા હેઠળ દબાઈ જવાથી તથા આંબરડીથી ઉછેર માટે લવાયેલા એક સિંહ બાળનું લીવર અને કીડનીની બીમારીથી મોત
જૂનાગઢ,તા.23 એપ્રિલ 2020,ગુરુવાર
જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તાજેતરમાં જન્મેલા બે સિંહ બાળનું તેની માતા હેઠળ દબાઈ જવાથી મોત થયું હતું. જ્યારે આંબરડીથી ઉછેર માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં લવાયેલા એક સિંહ બાળનું લીવર અને કીડનીની બીમારીથી મોત થયું હતું. ગત તા. ૯, ૧૯ અને ૨૦ એપ્રિલની ઘટના ઝુ તંત્રએ હવે જાહેર કરતા અનેક સવાલો ઉઢી રહ્યા છે.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગત તા. ૧ એપ્રિલથી ૧૨ એપ્રિલ દરમ્યાન પાંચ સિંહણે કુલ ૧૮ બચ્ચાને જન્મ આપ્યો હતો. જ્યારે આંબરડી સફારી પાર્કમાં જન્મેલા ત્રણ સિંહબાળને પણ ઉછેર માટે જૂનાગઢના સક્કરબાગ ઝુંમાં લાવવામાં આવ્યા હતા. આથી સકકરબાગમાં કુલ ૨૧ સિંહ બાળનો ઉછેર થઈ રહ્યો હતો. ડી-૧૨ નામની સિંહણએ બે બચ્ચાને જન્મ આપ્યો હતો. ગત તા. ૯ના એક બચ્ચું સિંહણ પડખુ ફરતા તેની નીચે દબાઈ જતા તેનું દબાઈ જવાથી મોત થયું હતું.
જ્યારે ડી-૧ નામની સિંહણે છ બચ્ચાને જન્મ આપ્યો હતો. તા.૧૯ ના સિંહણ પડખુ ફરતી વખતે એક બચ્ચું તેની હેઠળ દબાઈ જતા તેને પેટ અને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અને તા.૨૦ એપ્રિલના આ બચ્ચાનું પણ મોત થયું હતું.
જ્યારે આંબરડી પાર્ક ખાતેથી જૂનાગઢ સક્કરબાગમાં આવેલું એક બચ્ચું નબળુ જણાતા તેનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેનું લીવર અને કીડની ફેઈલ થઈ જતા તેનું તા. ૨૦ એપ્રિલના મોત થયું હતું. આમ તા. ૯ એપ્રિલ થી ૨૦ એપ્રિલ દરમ્યાન તાજેતરમાં જન્મેલા ત્રણ બચ્ચાના મોત થયા હતા. છતાં આ ઘટના અંગે ઝુ તંત્રએ આજે જાહેરાત કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.