પાકવીમો ન મળતા ખેડૂતોએ ટ્રમ્પના મ્હોરા પહેરી કર્યા ઉગ્ર સુત્રોચ્ચાર
- જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ
- - તાત્કાલીક પાક નુકસાનીનું વળતર ચુકવવા અને જેટલું મોડુ થયું છે તેનું ખેડૂતોને વ્યાજ આપવામાં આવે એવી માંગ સાથે અપાયું કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર
જૂનાગઢ, તા. 24 ફેબ્રુઆરી 2020, સોમવાર
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ હજુ સુધી પાકવીમો ન મળતા ખેડૂતોએ આજે કિસાન કોંગ્રેસની આગેવાનીમાં કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ ટ્રમ્પના મ્હોરા પહેરી સુત્રોચ્ચાર સાથે સરકારનો વિરોધ કર્યો હતો અને તાકિદે પાકવીમો ચુકવવા તેમજ મોડુ થયું છે. તેટલું વ્યાજ આપવામાં આવે એવી માંગ સાથે કલેકટર મારફત મુખ્યમંત્રી સહિતનાઓને આવેદનપત્ર આપ્યું હતું.
જૂનાગઢ જિલ્લામાં ચોમાસામાં ૧૫૭ ટકા વરસાદ થયો હતો. ત્યારબાદ કમોસમી વરસાદ થતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. પાકવીમાં કંપનીઓએ કમોસમી વરસાદ બાદ ખેડૂતો પાસેથી ૭૨ કલાકમાં અરજીઓ મંગાવી હતી. જેમાં ૧૦ દિવસમાં પાક નુકસાનની આકારણી કરી ૩૦ દિવસમાં વળતર ચુકવવાનું હતું પરંતુ પાકવીમા કંપનીઓએ હજુ સુધી જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને એક રૂપિયો વળતર ચુકવ્યું નથી. વીમા કંપનીઓની મનમાનીના વિરોધમાં ખેડૂતોએ અનેકવાર રજુઆત કરી પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આજે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસની આવેગાનીમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો કલેકટર કચેરી ખાતે એકત્ર થયા હતાં. અને વીમા કંપની માલામાલ, ખેડૂતો પાયમાલ, બમણી આવક કરવાના બણગા, પરંતુ ખેડૂતોને નુકસાનીનું વળતર અપાતું નથી. ખેડૂતો કરેછે પોકાર, સરકાર સાંભળો સાદ સહિતના સુત્રો લખેલા બેનરો તેમજ ખેડૂતોએ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના મ્હોરા પહેરી વિરોધ કરી સુત્રોચ્ચાર કર્યા હતાં.
બાદમાં કલેકટર મારફત મુખ્યમંત્રી સહિતનાઓને આવેદનપત્ર આપી તાકિદે પાકવીમો ચુકવવા અને જે મોડુ થયું છે. તેમાં વ્યાજ ચુકવવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.