જૂનાગઢ જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ 300 લોકો સામે નોંધાયો ગુનો
- અન્ય જિલ્લામાંથી જૂનાગઢ જિલ્લામાં વધુ સાત વ્યક્તિ ઘૂસી ગયા
- જૂનાગઢના ચોબારી રોડ પર અગાસી પર એકત્ર થયેલા નવ તથા જોષીપરામાં ઘર બહાર નીકળેલા ૧૩ શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી
જૂનાગઢ, તા.02 મે 2020, શનિવાર
જૂનાગઢ જિલ્લામાં લોકડાઉન હોવા છતાં લોકો ધર બહાર જાહેરમાં નીકળી રહ્યા છે. આવા કુલ ૩૦૦ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ચોબારી રોડ પર આવેલા એપાર્ટમેન્ટની અગાસી પર નવ તથા જોષીપરામાં ઘર બહાર નીકળેલા ૧૩ વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો હતો. જ્યારે અન્ય જિલ્લામાંથી વધુ સાત વ્યક્તિ જૂનાગઢ જિલ્લામાં ઘુસી ગયા હતાં.
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા જિલ્લામાં દોઢ માસથી લોકડાઉન છે. તેમ છતાં હજુ પણ અમુક લોકો ઘર બહાર નીકળી રહ્યા છે. અને પોતાના ઉપર જોખમ લઈ રહ્યા છે.
ગત સાંજે જૂનાગઢના ચોબારી રોડ પર આવેલા એપાર્ટમેન્ટની અગાસી પર એકત્ર થયેલા નવ લોકોને પોલીસે પકડયા હતાં. જ્યારે જોષીપરામાં જાહેરમાં એકત્ર થયેલા ૧૩ લોકોને પકડી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે ચાર મહિલા સહિત છ વ્યક્તિએ ક્વોરન્ટાઈનનો ભંગ કરતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જૂનાગઢ શહેર તથા જિલ્લામાં કારણવગર ઘર બહાર નિકળી રસ્તા પર આંટા મારતા તથા એકત્ર થનાર તેમજ નિયમ વિરૂધ્ધ દુકાન ખુલ્લી રાખનાર સહિત કુલ ૩૦૦ જેટલા લોકો સામે પોલીસે લોકડાઉનનો ગુનો દાખલ કરવો પડયો હતો. લોકો સમજતા ન હોવાથી પોલીસનો સમય અને શક્તિનો વ્યય થઈ રહ્યો છે.
બહારના વ્યક્તિએ જિલ્લામાં આવવા પર પ્રતિબંધ છે. તેમ છતાં મોરબીથી કેશોદ તાલુકાના પાડોદરમાં બે વ્યક્તિ, અમદાવાદથી ચાર વ્યક્તિ સરદારગઢ તેમજ રાજકોટથી એક વ્યક્તિ જૂનાગઢ આવી જતા તેની સામે ગુનો દાખલ કરાયો હતો.
સોશ્યલ ડિસ્ટન્સનો અમલ ન કરતા 25 વ્યક્તિને દંડ
જૂનાગઢમાં લોકડાઉનમાં સવારે ૮ થી ૧૨ દરમિયાન આવશ્યક ચીજવસ્તુની ખરીદી વખતે સોશ્યલ ડિસ્ટન્સનો અમલ ન કરતા વધુ ૨૫ વ્યક્તિ પાસેથી મનપા અને પોલીસની ટીમે ૩૭૫૦ રૂપિયા દંડ વસુલ કર્યો હતો.
પાન-બીડીના જથ્થા સાથે વધુ એક વ્યક્તિ ઝડપાયો
જૂનાગઢના દોલતપરા વિસ્તારમાંથી પોલીસે વશરામ દેવા પિપરોતરને પાન-બીડીનો જથ્થો છુટક વેંચાણ અર્થે હેરફેર કરતા ઝડપી લઈ તેની પાસેથી ૨૭૩૨૮ મુદામાલ કબ્જે કર્યો હતો.