જૂનાગઢ જિલ્લામાં ખેતીવાડી ક્ષેત્રે પુરતો વીજ પુરવઠો ન મળતો હોવાની ફરિયાદ
- ટી.સી. બળી ગયા બાદ દસ દિવસ સુધી નથી બદલાતા
- વીજતત્રં દ્વારા આયોજીત બેઠકમાં ખેડૂતોના વીજતંત્રને લગતા પ્રશ્નો અંગે કિસાન સંઘે કરી રજૂઆત
જૂનાગઢ, તા.26 ઓગસ્ટ 2019, સોમવાર
જૂનાગઢ વીજતંત્રની કચેરી ખાતે આજે બેઠક મળી હતી. જેમાં કિસાન સંઘ દ્વારા જિલ્લામાં ખેડૂતોને વીજ પુરવઠો પુરતો મળતો નથી. આ ઉપરાંત ટી.સી. બળી ગયા બાદ દસ દિવસ સુધી બદલાતા ન હોવા સહિતની ફરિયાદ કરી હતી અને તેનો તાકિદે ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.
જૂનાગઢના આઝાદ ચોક નજીક આવેલી પીજીવીસીએલ કચેરી ખાતે વીજતંત્રના અધિકારીઓ અને કિસાન સંઘના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં કિસાન સંઘના આગેવાનો દ્વારા ખેતીવાડીમાં પુરતો વીજ પુરવઠો મળતો નથી. સબસ્ટેશન, ટીસી બળી જાય તો દસ દિવસ સુધી બદલાતા નથી. વાડી વિસ્તારમાં પુરતા વોલ્ટેજથી પાવર આપવો, ખેતીની જમીનમાં વારસાઈ એન્ટ્રી પડે તે મુજબ વીજજોડાણ કરી આપવું, ખેતીવાડીમાં જુના વીજવાયર બદલતા તેમજ દરેક તાલુકામાં ખેડૂતોની બેઠક બોલાવવી સહિતના મુદ્દે રજુઆત કરી હતી અને આ પ્રશ્નોનો ઉકેલ કરવાની માંગણી કરી હતી.
હાલ સર્વિસ બળી જાય તો ખેડૂતોને બહારથી ખરીદવી તેવું જણાવવામાં આવે છે. પરંતુ ખેડૂતોએ સર્વિસ વાયર ખરીદવાના નથી. વીજતંત્રએ જ સર્વિસ વાયર નાખવાના હોવાનું કિસાન સંઘે જણાવ્યું હતું.