Get The App

જૂનાગઢ : વિદ્યાર્થીનો બોગસ વીડિયો બનાવી સ્વામીને બ્લેકમેઈલ, માંગ્યા 5 લાખ

- જૂનાગઢ સ્વામિનારાયણ ગુરૂકુળમાં ન ફાવતુ હોવાથી રાત્રે નીકળી ગયેલા

- સ્વામીએ પોલીસને જાણ કરતા પોલીસે છટકુ ગોઠવી મેડીકલ સ્ટોરમાં કામ કરતા શખ્સને ઝડપી લીધો

Updated: Jul 3rd, 2019

GS TEAM

Google News
Google News
જૂનાગઢ : વિદ્યાર્થીનો બોગસ વીડિયો બનાવી સ્વામીને બ્લેકમેઈલ, માંગ્યા 5 લાખ 1 - image


જૂનાગઢ, તા. 3 જુલાઈ 2019, બુધવાર

જૂનાગઢના સ્વામીનારાયણ ગુરૂકુળમાં ફાવતુ ન હોવાથી એક વિદ્યાર્થી ગત રાત્રે ગુરૂકુળમાંતી નીકળી ગયો હતો. આ વિદ્યાર્થીને મેડીકલ સ્ટોરમાં કામ કરતા એક શખ્સનો ભેંટો થઈ જતા આ શખ્સે વિદ્યાર્થી પાસે ગુરૂકુળમાં મારમારતા હોવાનું અને સ્વામીએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યા સહિતની  બાબત બોલાવી  તેનીનો વિડીયો બનાવી સ્વામીને ફોન પર બ્લેક મેઈલ કરી પાંચ લાખ રૂપિયા માંગ્યા હતાં. સ્વામીએ પોલીસને જાણ કરતા પોલીસે છટકુ ગોઠવી મેડીકલ સ્ટોરમાં કામ કરતા શખ્સને ઝડપી લીધો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના કોલેજ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળમાં એક માસથી અભ્યાસ કરવા આવેલા ધો.૯નાં યશ નામનાં વિદ્યાર્થીને ગુરૂકુળમાં ફાવતું ન હતું. ગઈકાલે આ વિદ્યાર્થીના પિતા આવ્યા હતાં અને અઠવાડીયા પછી તેને તેડી જશે તેવી વાત કરી હતી.

પરંતુ વિદ્યાર્થીને ન ફાવતું હોવાથી ગત મોડી રાત્રે તે ગુરૂકુળમાંથી નીકળી ગયો હતો અને દિવાલ પર ચડયો હતો. નીચે ઉતરી ન શકતા રોડ પરથી પસાર થતા રાહદારીને રોકતો હતો. આ સમયે નહેરૂ પાર્ક વિસ્તારમાં રહેતો પ્રતિક અઢીયા નીકળ્યો હતો. તેને વિદ્યાર્થીને સાથે રાખી પૂછપરછ કરી હતી. 

વિદ્યાર્થીના મામા સાથે વાત કરાવી હતી. બાદમાં પ્રતિક અઢીયાએ આ વિદ્યાર્થી પાસે ગુરૂકુળમાં મારમારી હેરાન કરતા હોવાનું તેમજ સ્વામીએ તેના પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યાનું બોલાવી તેનો વિડીયો બનાવી લીધો હતો. બાદમાં વિદ્યાર્થી પાસે સ્વામીના નંબર માંગ્યા હતાં.

પરંતુ વિદ્યાર્થી પાસે નંબર ન હોવાથી પ્રતિક અઢીયાએ નેટ પરથી ઋષિકેશ સ્વામી ગુરૂદેવ કૃષ્ણ સ્વામીને ફોન કર્યો હતો.પોતાની પાસે વિડીયો હોવાની વાત કરી સ્વામીને પાંચ લાખ રૂપિયા આપવા કહી બ્લેક મેઈલ કરવા શરૂ કર્યા હતાં. પરંતુ ઋષિકેશ સ્વામીએ પોલીસને જાણ કરી હતી. બાદમાં સી.ડિવીઝન પોલીસ સહિતના સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું અને પૈસા લેવાના નામે બોલાવી પ્રતિક અઢીયાને ઝડપી લીધો હતો. 

આ અંગે ઋષિકેશ સ્વામી ગુરૂ દેવકૃષ્ણ સ્વામીએ ફરિયાદ કરતા પોલીસે પ્રતિક અઢીયા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પી.એસ.આઈ. આર.એમ. ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રતિક અઢીયા મેડીકલ સ્ટોરમાં કામ કરે છે. અને વિદ્યાર્થીનો ખોટો વિડીયો બનાવી સ્વામીને બ્લેકમેઈલ કરી રૂા ૫ લાખ પડાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કરતૂત ખુલી પડી જતાં પોલીસે તેને પકડી પાડીને તપાસ હાથ ધરી છે.

Tags :