બાવળની ઝાડીમાં બીડીનો જથ્થો છુપાવી કાળાબજારનું કારસ્તાન
- કેશોદમાં 1.79 લાખની બીડીની ચોરી મામલે ત્રણ ઝડપાયા
- લોકડાઉનના લીધે બંધાણીઓની મજબુરીનો લાભ લઈ પૈસા કમાવા બીડીના 14 કાર્ટુન ચોરી કર્યાની ત્રણે'ય શખ્સોની કબુલાત
જૂનાગઢ,તા.23 એપ્રિલ 2020,ગુરુવાર
કેશોદમાંથી ગોડાઉનના તાળા તોડી ૧૪ કાર્ટૂન બીડીની ચોરી મામલે એલ.સી.બી.એ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો લોકડાઉનના લીધે બંધાણીઓની મજબુરીનો લાભ લઈ પૈસા કમાવા માટે બીડીનો જથ્થો બાવળની ઝાંડીમાં ચુપાવી કાળા બજારમાં વેંચતા હોવાની કબુલાત આપી છે. સૌરાષ્ટ્રમાં લોકડાઉનના કારણે બંધાણીઓ પાસેથી ચારગણી વધુ રકમ બીડી, સીગારેટ, પાન, તમાકુનાં નામે વસુલ કરવામાં આવતા હોવાની સંખ્યાબંધ ફરિયાદો ઉઠી છે.
આ અંગેની વધુ વિગત મુજબ ઉનાનાં રહેતા હનીફભાઈ સુલેમાનભાઈ કાસમાણીનું કેશોદના મોવાણા દરવાજા પાસે બીડીનું ગોડાઉન આવેલુ છે. તા.૧૭ થી ૧૮ એપ્રિલ દરમ્યાન ગોડાઉનના તાળા તોડી તેમાંથી ૧.૭૯ લાખની કિંમતની બીડીના ૧૪ કાર્ટૂનની ચોરી થઈ હતી. આ અંગે ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
એલ.સી.બી.પી.આઈ. આર.સી.કાનમીયા સહિતના સ્ટાફે સી.સી,ટી.વી ફૂટેજ તથા બાતમીના આધારે કેશોદના મોવાણા દરવાજા વિસ્તારમાં રહેતા અરબાજ ઈસ્માઈલ અમરેલીયા, મોઈન મુસા મહીડા અને ફૈયાઝ ઉર્ફે ભપલુ બેલીમને ઉગવળી નદીના કાંઠે બાવળની ઝાડીમાં છુપાવેલો બીડીનો જથ્થો વેંચતા ઝડપી લઈ તેની પાસેથી ૧.૧૩ લાખની કિંમતના બીડીના ૫૬૩ બંડલ, ૬૪ હજાર રૂપીયા રોકડા મળી કુલ ૧.૭૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ શખ્સોની પૂછપરછ કરતા તેઓએ લોકડાઉનમાં બંધાણીઓની મજબુરીનો લાભ લઈ બીડીના કાળાબજાર કરી પૈસા કમાવા માટે ગોડાઉનમાંથી બીડીના ૧૪ કાર્ટૂનની ચોરી કર્યાની કબુલાત આપી હતી. એલ.સી.બી.એ આ શખ્સોને કેશોદ પોલીસના હવાલે કરતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.