બનેવીએ સાળાની સાથે મળી સાળીને મોતને ઘાટ ઉતારવા બનાવ્યો હતો પ્લાન
- વિસાવદર નજીક રાજકોટની મહિલાની હત્યામાં નવો ઘટસ્ફોટ
- હત્યાની ઘટના વખતે જે કારમાં હત્યા થઇ તેમાં સવાર બનેવી હત્યા કરનાર સાળા સાથે સંપર્કમાં હોવાનું સામે આવતા પોલીસે કરી બન્નેની ધરપકડ
જૂનાગઢ, તા.04 માર્ચ 2020, બુધવાર
વિસાવદર તાલુકાના જેતલવડ ગામની સીમમાં રાજકોટની મહિલાની તેના ભાઇ સહિત ત્રણ શખ્સોએ હત્યા કરી હતી. આ અંગે પોલીસ તપાસ દરમ્યાન જે કારમાં મહિલાની હત્યા થઇ તેમાં સવાર બનેવી હત્યા કરનાર સાળા સાથે સંપર્કમાં હતો. આથી પોલીસે બન્નેની ધરપકડ કરી પુછપરછ કરતા બનેવીએ સાળા સાથે મળી સાળીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હોવાની કબુલાત આપી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ રાજકોટના ગાયત્રીનગર મેઇન રોડ પર રહેતા હેતલબેન દિલીપભાઇ ખાચર (ઉ.વ. ૩૨) તા. ૨ ના રાત્રે વિસાવદર થી ભટ્ટવાવડી તરફ જતા હતા. ત્યારે માતા શાંતુબેન, બહેન ચેતનાબેન, બનેવી ભગીરથ ખાચરના હાજરીમાં ભાઇ યુવરાજ માંજરીયા તથા અન્ય બે શખ્સો આવી હેતલબેનને છરીના ઘા ઝીંકી તથા ગળેટૂંપો આપી હત્યા કરી નાસી ગયા હતા.
આ અંગે માતા શાંતુબેને પુત્રી હેતલબેનની હત્યા મામલે પુત્ર યુવરાજ માંજરીયા તથા અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરી હતી.
આ અંગે વિસાવદર પી.આઇ. એન.આર. પટેલ, એલ.સી.બી. પી.એસ.આઇ. આર.કે. ગોહિલ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં હેતલબેનની હત્યા વખતે કારમાં સવાર બનેવી ભગીરથ ખાચર પોતાના સાળા યુવરાજ માંજરીયા સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે ભગીરથ ખાચરની પુછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને સાળા યુવરાજ સાથે મળી સાળી હેતલની હત્યાનો પ્લાન બનાવ્યો હોવાની કબુલાત આપી હતી.
આ દરમ્યાન યુવરાજ માંજરીયાના ગુનાઇત ઇતિહાસના આધારે રાજકોટ પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસે યુવરાજને રાજકોટમાંથી કાર સાથે ઝડપી લીધો હતો.
પોલીસે રાજકોટના હસનવાડીમેઇન રોડ પર ગાયત્રીનગરમાં રહેતા યુવરાજ પ્રતાપભાઇ માંજરીયા (ઉ.વ. ૨૭) તથા બોટાદ જિલ્લાના પાળીયાદમાં રહેતા તેના બનેવી ભગીરથ શાંતુભાઇ ખાચર (ઉ.વ. ૩૫)ની ધરપકડ કરી હતી.
સાળા - બનેવીની પૂછપરછ દરમ્યાન હેતલબેન સાસરિયામાં રહેતી ન હતી. તેમજ ચાલ-ચલગ, સારી ન હતી. અવારનવાર ઘરેથી જતી રહેતી હતી. એકાદ - દોઢ વર્ષથી જતી રહી હતી. તાજેતરમાં પરત આવી હતી. જેથી સમાજમાં કુટુંબની આબરૂ જતી હતી.
આ હત્યામાં યુવરાજના મામાનો પુત્ર સરંભડા રહેતા વનરાજ દિલુ વાળા અને મિત્ર મુનીયો ઉર્ફે પથો ઉર્ફે પાર્થ રાજકોટ હોવાની પણ કબુલાત આપી હતી.
યુવરાજ અગાઉ આઠથી દસ ગુનામાં પકડાયેલો છે
ડીવાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, યુવરાજ માંજરીયા અંગે પોકેટ કોપ એપમાં સર્ચ કરતા તેની સામે રાજકોટ, બોટાદ જિલ્લામાં ખુન, મારામારી, દારૂ પી વાહન ચલાવવા જેવા ગુના નોંધાયેલા છે. આઠ દસ ગુનામાં પકડાયેલો છે. ૨૦૧૭માં 'પાસા' હેઠળ પણ તેની અટકાયત કરવામાં આવી હતી.