મનફાવે તેવા ભાડા વસૂલી સામે રોષ જોતાં ભવનાથ રુટમાં રિક્ષાઓ સામે પ્રતિબંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Girnar Parikrama Transport Update : ગિરનારની પવિત્ર લીલી પરિક્રમામાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉમટેલા લાખો યાત્રિકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી ઉઘાડી લૂંટ ચલાવતા રિક્ષાચાલકો સામે અંતે તંત્રએ લાલ આંખ કરી છે. શ્રદ્ધાળુઓ પાસેથી મનફાવે તેવા ભાડા વસૂલીને પરિક્રમાની ગરિમાને લજવતા તત્વો પર લગામ કસતા વહીવટી તંત્રએ ભવનાથ રૂટ પર રિક્ષાઓની અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવી દીધો છે અને યાત્રિકોની સુવિધા માટે એસ.ટી. તંત્ર દ્વારા સસ્તા દરે મિનિ બસ સેવા તાત્કાલિક શરૂ કરવામાં આવી છે.
નાના અંતરના રૂ. 200 અને બસ સ્ટેન્ડના રૂ. 1000 ખંખેરવામાં આવતા હતા
લીલી પરિક્રમા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જતા માર્ગો પર ખાનગી વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. માત્ર પાસધારક રિક્ષાચાલકોને જ ફેરા કરવાની છૂટ આપવામાં આવી હતી. જોકે, તંત્રની આ છૂટછાટનો ગેરફાયદો ઉઠાવી કેટલાક લેભાગુ રિક્ષાચાલકોએ રીતસરની લૂંટ ચલાવી હતી. બહારગામથી આવેલા અને ભીડમાં ફસાયેલા યાત્રિકો પાસેથી ગિરનાર દરવાજાથી ભવનાથ ગ્રાઉન્ડ સુધીના નજીવા અંતરના વ્યક્તિદીઠ રૂ. 200-200 વસૂલવામાં આવતા હતા, જ્યારે પરિક્રમા પૂર્ણ કરી પરત આવતા યાત્રિકોને ભવનાથથી જૂનાગઢ બસ સ્ટેન્ડ સુધી પહોંચાડવાના રૂ. 1000 જેટલા તોતિંગ ભાડા ખંખેરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.
ભક્તિના મહાકુંભમાં યાત્રિકો સાથે ઉઘાડી લૂંટ
સેવા અને ભક્તિના આ મહાકુંભમાં યાત્રિકો સાથે થતી આ આર્થિક લૂંટનો મામલો છેક ઉચ્ચ કક્ષા સુધી પહોંચતા વહીવટી તંત્રના અધિકારીઓ સફાળા જાગ્યા હતા. યાત્રિકોની પરેશાની અને ઉઠેલા પ્રચંડ વિરોધને ધ્યાને લઈને ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક અસરથી કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જે અંતર્ગત ભવનાથ રૂટ પર તમામ રિક્ષાઓના પ્રવેશ અને સંચાલન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જેના કારણે ઉઘાડી લૂંટ ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
એસ.ટી. વિભાગે ગિરનાર દરવાજાથી ભવનાથની વધારાની મિનિ બસ સેવા શરૂ કરી
રિક્ષાચાલકો પર પ્રતિબંધ મૂક્યા બાદ યાત્રિકોને અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા એસ.ટી. વિભાગને તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી. અગાઉ માત્ર જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી એસ.ટી.ની મિનિ બસો રૂ. 30ના નજીવા દરે દોડાવવામાં આવતી હતી. હવે તંત્રની સૂચના બાદ એસ.ટી. વિભાગે ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીની વધારાની મિનિ બસ સેવા શરૂ કરી છે, જેનું ભાડું માત્ર રૂ. 15 રાખવામાં આવ્યું છે. રિક્ષાચાલકોની રૂ. 200ની લૂંટ સામે એસ.ટી. તંત્રની રૂ. 15ની સેવા શરૂ થતાં પરિક્રમાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી છે અને તંત્રના આ મોડા પણ મક્કમ નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે.




