જૂનાગઢ, તા. 17 એપ્રિલ, 2020 શુક્રવાર
ગિરનારના ૨૦૦ પગથિયે સેવા-પૂજા કરતા એક વૃધ્ધ સાધુ ગત રાત્રે નિંદ્રાધીન હતા ત્યારે ત્યાં ચડી આવેલો એક દીપડો તેને ઢસડી જંગલમાં લઈ ગયો હતો. અને વૃધ્ધ સાધુને ફાડી ખાધો હતો. સવારે જંગલમાંથી ૨૦૦ મીટર ત્રિજયામાંથી વૃધ્ધ સાધુના મૃત શરીરનાં અવશેષો મળી આવતા અરેરાટી વ્યાપી ગી હતી. વનતંત્રને જાણ થતા ત્યાં જઈ પાંજરૂ મુકી દીપડાને પકડવા તજવીજ હાથ ધરી હતી.
શીતળા માતાજીના મંદિરથી ૨૦૦ મીટર દૂર જંગલ વિસ્તારમાંથી સવારે વૃધ્ધ સાધુના મૃત શરીરનાં અવશેષો મળી આવતા અરેરાટી
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ગિરનાર પર્વતના ૨૦૦ પગથિયા આસપાસ શીતળા માતાજીનું મંદિર આવેલું છે. જયાં રામદાસ ગુરૂ રામચંદ્રદાસ (ઉ.વ.૮૦) નામના વૃધ્ધ સાધુ સેવા - પૂજા કરતા હતા ગત રાત્રે આ વૃધ્ધ સાધુ મંદિર પાસે સુતા હતા. આ દરમ્યાન મોડી રાત્રીના જંગલમાંથી દીપડો ચડી આવ્યો હતો. અને નિંદ્રાધીન વૃધ્ધ સાધુને ઉપાડી ગયો હતો. દીપડો વૃધ્ધ સાધુને ઢસડી જતા હતા ત્યારે અવાજ આવતા નજીકમાં રહેતા એક વૃદ્ધ જાગી ગયા હતા. અને તેઓએ ભવનાથ તળેટીમાં આવી લોકોને જાણ કરી હતી. બાદમાં વનતંત્રને જાણ કરવામાં આવી હતી. વનવિભાગના સ્ટાફે ત્યાં જઈ તપાસ હાથ ધરી હતી.
આ દરમ્યાન આજે સવારે જંગલ વિસ્તારમાં મંદિરથી ૨૦૦ મીટર દૂર વૃદ્ધ સાધુનો દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં મૃતદેહ તેમજ શરીરના અવશેષો મળ્યા હતાં. આ બનાવથી અરેરાટી વ્યાપી ગઈ હતી. અને ગિરનાર પગથિયા પર રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. તાજેતરમાં લોકડાઉનના લીધે ગિરનાર પર પ્રવાસીઓની અવર જવર ન હોવાથી દીપડાઓ ગિરનાર પગથિયા સુધી તેમજ તળેટી નજીક સુધી આવવા લાગ્યા છે. ત્યારે આ વિસ્તારમાં દીપડાઓ હજુ વધ ુકોઈનો ભોગ લે તે પૂર્વે દીપડાને પાંજરે પુરવામાં આવે એવી માંગ ઉઠી છે.


