અમદાવાદ, છોટા ઉદેપુર અને રાજકોટથી જૂનાગઢ જિલ્લામાં ઘુસ્યા વધુ 24 લોકો
- બહારથી આવતા લોકોના લીધે સંક્રમણનું જોખમ
- જૂનાગઢ શહેર તથા જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ 196 જેટલા શખ્સો સામે નોંધાયો ગુનો
જૂનાગઢ, તા.01 મે 2020, શુક્રવાર
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કેસ હજુ નથી પરંતુ અન્ય જિલ્લામાંથી ચોરીછૂપીથી જૂનાગઢ જિલ્લામાં આવતા લોકોના લીધે જોખમ સર્જાયુ છે. અમદાવાદ, છોટાઉદેપુર, રાજકોટ જિલ્લામાંથી વધુ ૨૪ લોકો ચોરીછૂપીથી જૂનાગઢ જિલ્લામાં ઘૂસી ગયા હતા. જ્યારે જિલ્લામાં લોકડાઉનનો ભંગ કરવા બદલ ૧૯૬ જેટલા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન અમલમાં છે. ચેકપોસ્ટ પર તપાસ તથા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં બહારના જિલ્લામાંથી લોકો જૂનાગઢ જિલ્લામાં ચોરી-છૂપીથી ઘુસી રહ્યા છે.
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર અન્ય જિલ્લામાંથી ચાર લોકો, સુરતથી વિસાવદરના રૂપાવટીમાં એક, અમદાવાદથી મેંદરડાના અરણીયાળામાં એક તથા એક રાજકોટ નજીકના કોઠારીયાથી એક વ્યક્તિ આવી ગયો હતો. અન્ય જિલ્લામાંથી બિલખામાં બે વ્યક્તિ, રાજકોટથી વંથલી તાલુકાના વસપડામાં એક, અમદાવાદથી બે તથા ગોંડલથી એક, સુરતથી પીપલાણામાં એક તેમજ છોટાઉદેપુર જિલ્લામાંથી-૧૦ લોકો માળિયા હાટીના તાલુકાના જસાપરમાં આવી ગયા હતા. જેની સામે પોલીસે ગુનો દાખલ કરી તેના આરોગ્યની તપાસ કરાવી ક્વોરન્ટાઈન કર્યા હતા.
જ્યારે જૂનાગઢ શહેર તથા જિલ્લામાં લોકડાઉન હોવા છતાં ઘર બહાર નીકળી રસ્તા પર આંટા મારતા તેમજ એકત્ર થયેલા ૧૯૬ જેટલા લોકો સામે પેાલીસે ગુનો દાખલ કર્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કેસ સામે આવ્યો નથી. પરંતુ અન્ય જિલ્લામાંથી ચોરી છૂપીથી આવતા લોકોના લીધે જોખમ સર્જાયુ છે.
મધુરમમાં પાન-માવા સિગરેટ વેંચતો યુવાન ઝડપાયો
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પાનની દુકાન ધરાવતો મનિષ ચત્રભુજ ચાવડા ગ્રાહકોને બોલાવી પાન, માવા, સોપારી, તમાકુ અને સિગરેય વેંચતો હતો ત્યારે પેાલીસે તેને ઝડપી લઈ ૬૪૮૦નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સોશીયલ ડિસ્ટન્સનો અમલ નહીં કરતા 11 લોકો દંડાયા
જૂનાગઢમાં આજે સવારે આવશ્યક ચીજવસ્તુની ખરીદી માટેની છૂટછાટ દરમ્યાન સોશીયલ ડિસ્ટન્સનો અમલ ન કરતા ૧૧ વ્યક્તિઓ પાસેથી ૨૧૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.