જૂનાગઢને પાણી પુરૂ પાડતો આણંદપુર વિયર ઓવરફ્લો
- બિલખા નજીકના જંગલમાં થયેલા વરસાદના કારણે
- આણંદપુર ડેમ છલકાતા નર્મદાના પાણીની જરૂરિયાત પૂર્ણ, ડેમ છલકાયો છતાં હજુ પાણીકાપ હળવો કરવા નથી કોઈ આયોજન
જૂનાગઢ,તા. 24 જુલાઈ 2019, બુધવાર
ગઈકાલે બિલખા નજીકનાં જંગલ વિસ્તારમાં થયેલા વરસાદથી તે પાણી આણંદપુર વિયરમાં આવ્યું હતું અને આજે જૂનાગઢને તે પાણી પુરૂ પાડતો આણંદપુર વિયર ઓવરફ્લો થયો હતો. આ ડેમ છલકાતા નર્મદા નીરની જરૂરિયાત પૂર્ણ થઈ છે. આ ડેમ છલકાયો છતાં હજુ દર બે ત્રણ દિવસે ેએક વાર પાણી અપાય છે. તે પાણી કાપ હળવો કરવા કોઈ આયોજન કરાયું નથી.
ગઈ કાલે બપોર બાદ બિલખા નજીક જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડયો હતો. આ વિસ્તારમાંથી નીકળતા વોકળાઓમાં પાણી આવ્યું હતું. આ પાણી જૂનાગઢને પાણી પુરૂ પાડતા આણંદપુર વિયર ડેમમાં પહોંચતા જ ૧.૩૭ મીટર ઉંચાઈ ધરાવતો આણંદપુર વિયર ડેમ છલકાઈ ગયો હતો. આ ડેમ છલકાતા જૂનાગઢ મનપા વિસ્તારમાં પાણી વિતરણ માટેની નર્મદાનીરની જરૂર પૂર્ણ થઈ હતી.
હાલ આ ડેમની સંગ્રહ શક્તિ ૨.૭૬૦ મી.ઘ.મી. છે. હાલ તે છલકાઈ જતા મનપા દ્વારા તેમાંથી રોજ ૧૨ થી ૧૫ એમ.એલ.ડી. પાણી ઉપાડવામાં આવશે.
જૂનાગઢ મનપા વિસ્તારમાં હાલ બે થી ત્રણ દિવસે એક વાર પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ ડેમ છલકાઈ ગયો છે. છતાં પાણી કાપ હળવો કરવા અંગે હજુ સુધી કોઈ આયોજન કરાયું નથી.