Get The App

જૂનાગઢના યુવાન સાથે લગ્નનાં છ દિ' બાદ યુવતી 10 હજાર લઈ છૂ

- દલાલોએ 97 હજાર રૂપિયા લઈ કરાવ્યા હતા લગ્ન

- યુવાને વડોદરાની ટોળકી સામે લેખિત ફરિયાદ કરી પરંતુ હજુ પોલીસે ગુનો દાખલ ન કરતા છેતરાયેલા પરિવારની કફોડી હાલત

Updated: Aug 17th, 2019

GS TEAM

Google News
Google News
જૂનાગઢના યુવાન સાથે લગ્નનાં છ દિ' બાદ યુવતી 10 હજાર લઈ છૂ 1 - image


જૂનાગઢ,તા. 17 ઓગસ્ટ 2019, શનિવાર

જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહેતા યુવાને ૯૭ હજાર રૂપિયા દલાલોને આપી વડોદરા રહેતી યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના છ દિવસમાં જ યુવતી ઘરમાંથી ૧૦ હજાર રૂપિયા લઈ નાસી ગઈ હતી. યુવાને વડોદરાની આ ટોળકી સામે ૨૪ જુલાઈના પોલીસને લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ હજુ પોલીસે ગુનો દાખલ ન કરતા પરિવારની કફોડી હાલત થઈ છે. 

આ અંગેની વધુ વિગત મુજબ શહેરના ટીંબાવાડી વિસ્તારમાં દરગાહ નજીક રહેતા રવિન્દ્રભાઈ ચંદ્રકાન્તભાઈ ગટેચા (ઉ.વ.૪૦)ના માતાનું ૧૮ વર્ષ પહેલા અવસાન થયું હતું. હાલ તેના ૭૪ વર્ષિય વૃધ્ધ પિતા તથા ભાઈ સાથે રહે છે. અત્યાર સુધી પિતા રસોઈ તથા અન્ય કામ કાજ કરતા હતા. પરંતુ તેની ઉંમર થતા તેઓ કામ ન કરી શકતા તેઓએ સગા સબંધીઓને પુત્ર રવિન્દ્રના લગ્ન માટે વાત કરી હતી. ત્યારે એક સગાએ કોકીલાબેન નામની મહિલાનો સંપર્ક કરાવ્યો હતો અને  તેણે મનુભાઈ નામના દલાલનો સંપર્ક કરાવ્યો હતો. ત્રણ વર્ષ દરમ્યાન આ દલાલે સાત જેટલી કન્યા બતાવી હતી.

બાદમાં મુળ મુંબઈ અને હાલ વડોદરા રહેતી બસંતી લક્કી પવાર નામની યુવતી સાથે લગ્ન નક્કી કર્યા હતા. દલાલ ટોળકીએ ૯૦ હજાર રૂપિયા માંગ્યા હતા. તે આપવા આ મજબુર પરિવાર સહમત થતા દલાલ ટોળકી યુવતી સહિત આઠથી નવ વ્યક્તિ ટેક્ષીમા જૂનાગઢ આવ્યા હતા. યુવાનના ઘરે જ બ્રાહ્મણને બોલાવી બસંતી તથા રવિન્દ્રભાઈના તાત્કાલીક લગ્ન કરાવી દીધા હતા. સ્ટેમ્પ પેપર પર લખાણ કરી સહી કરી દીધી હતા. આ શખ્સો ૯૦ હજાર રૂપિયા તથા ટેક્ષીભાડાના સાત હજાર મળી કુલ ૯૭ હજાર રૂપિયા લઈ જતા રહ્યા હતા. લગ્નના છ દિવસ બાદ બસંતી પવાર ઘરમાંથી ૧૦ હજાર રૂપિયા લઈ નાસી ગઈ હતી. 

આ અંગે રાજેન્દ્રભાઈ ગટેચાને જાણ થતા તેણે વડોદરાના ગાયત્રી રોડ પર રહેતી બસંતી લક્કી પવાર, ડભોઈન મનુભાઈ, કોકીલાબેન, ભરત પવાર સહિતની ટોળકી સામે છેતરપિંડી કર્યા અંગે સી- ડિવીઝનમાં લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે આ મામલે હજુ ગુનો દાખલ ન કરતા હાલ આ પરિવારની કફોડી હાલત થઈ છે. આવી ટોળકી અન્ય કોઈને શિકાર બનાવે તે પૂર્વે પોલીસ ગુનો નોંધી તાકિદે વડોદરાની ટોળકીને પકડે એવી તેઓએ માંગ કરી છે. 

Tags :