જૂનાગઢ, તા.18 જાન્યુઆરી 2020, શનિવાર
જૂનાગઢમાં રહેતા અને સહાયક વિદ્યુત નિરીક્ષક કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા પ્રૌઢે એલઆરડી ભરતીમાં પુત્રોને એસટીના પ્રમાણપત્ર બાબતે અન્યાય થતા આપઘાત કરી લીધો હતો. આ બાબતથી રોષે ભરાયેલા રબારી સમાજે જવાબદારો સામે કાર્યવાહી કરવા અને પ્રમાણપત્ર અંગે યોગ્ય નિર્ણય કરવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો. આજે ભુવા આતા તથા રબારી સમાજના લોકોએ ભાજપમાંથી રાજીનામા આપવાનું જણાવતા સરકાર દોડતી થઈ ગઈ હતી અને બે સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ તંત્રના અધિકારીઓએ હોસ્પિટલ ખાતે દોડી જઈ સમજાવટ કરી હતી અને આખરે ખાતરી મળતા રબારી સમાજે ૨૯ કલાક બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો.
જૂનાગઢ પીટીસી પાછળ આવેલી વૃજવિહાર સોસાયટીમાં રહેતા અને સહાયક વિદ્યુત નિરીક્ષક કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા મ્યાંજરભાઈ મુંજાભાઈ હુણ (ઉ.વ. ૪૯)એ પુત્રોને એલઆરડી પરીક્ષામાં એસટીના પ્રમાણપત્ર બાબતે અન્યાય થતા ગઈકાલે પોતાની ઓફિસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મ્યાંજરભાઈ હુણે પોતાના મોત પાછળ આદિજાતિ મંત્રી ગણપત વસાવા, આદિજાતિ વિકાસ કમિશનર સહિતના અધિકારીઓ તેમજ ભાજપ સરકાર જવાબદાર હોવાની સુસાઈડ નોટ લખી હતી. તે પણ મળી આવી હતી.
મ્યાંજરભાઈના મૃતદેહને સિવીલ હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડાતા હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો એકત્ર થયા હતા અને મૃતક મ્યાંજરભાઈએ સુસાઈડ નોટમાં જે નામ લખ્યા છે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવા, રબારી સમાજના ૧૨૫ ઉમેદવારોને એસટીના પ્રમાણપત્ર મુદ્દે થયેલા અન્યાય અંગે ન્યાય આપવા, મૃતકના બંને પુત્રોને નોકરી આપવા સહિતની માંગ કરી હતી અને આ માંગ ન સંતોષાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો.
ગત રાત્રી પણ રબારી સમાજના લોકોએ હોસ્પિટલ ખાતે જ પસાર કરી હતી. રાત્રે રબારી સમાજના ધર્મગુરૂ જેઠા આતા તેમજ અન્ય પાંચ ભુવા આતાઓ પણ જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
આજે સવાર સુધી કોઈ નિરાકરણ ન આવતા ભુવા આતા જેઠા આતાએ પોતે તથા રબારી સમાજના લોકોએ ભાજપમાંથી રાજીનામુ આપવા ચિમકી આપી હતી. આ ચિમકી બાદ સરકાર દોડતી થઈ હતી અને થોડીવારમાં જ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, પોરબંદરના સાંસદ રમેશ ધડકુ તથા જિલ્લા ભાજપ પ્રમુખ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને સરકારમાં રજૂઆતો કરી હતી અને રબારી સમાજના ભુવા આતા તેમજ આગેવાનો સાથે ચર્ચા કરી હતી.
બપોરે બાદ સરકારમાં રજૂઆતો બાદ રબારી સમાજની માંગણીઓના ઉકેલ અંગે ખાતરી મળતા મૃતદેહ સ્વીકારી લેવા સહમતી થઈ હતી. પરંતુ મ્યાંજરભાઈના આપઘાત મામલે જવાબદારો સામે પોલીસ ફરિયાદની બાબતે અસમંજસ થતા રબારી સમાજે ફરી મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો.
ત્યારબાદ જૂનાગઢ અને પોરબંદર તથા જામનગરના સાંસદ, ભુવા આતા તેમજ રણછોડભાઈ રબારીની એક કમિટી આગામી સમયમાં મુખ્યમંત્રી- ગૃહમંત્રી સાથે મિટીંગ કરશે તેમાં તમામ પ્રશ્નોના નિરાકરણ કરવા ખાતરી મળી હતી. તેમજ મ્યાંજરભાઈ હુણના આપઘાત બાદ એ.ડી. અંગે સુસાઈડ નોટના આધારે નિવેદન લઈ જવાબદારો સામે કાર્યવાહી કરવા ખાતરી મળતા આખરે સહમતી થઈ હતી અને ૨૯ કલાક બાદ રબારી સમાજે મૃતદેહ સ્વીકાર્યો હતો અને મામલો થાળે પડયો હતો. ત્યારબાદ પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા નીકળી હતી.
જૂનાગઢ સિવીલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ
પ્રૌઢના આપઘાત બાદ જૂનાગઢ તથા બહાર ગામના રબારી સમાજના લોકો જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે એકત્ર થતા હોસ્પિટલના પી.એમ. રૂમ બહાર ચુસ્ત પોલીસ તથા એસઆરપી બંદોબસ્ત ગોઠવાયો હતો. જેના કારણે હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી.
તટસ્થ તપાસ અને ન્યાયિક કાર્યવાહીની બાંહેધરી આપી છેઃ કલેક્ટર
આ અંગે કલેક્ટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે રબારી સમાજના પ્રશ્નો અંગે તટસ્થ તપાસ અને ન્યાયિક કાર્યવાહી કરવા ખાતરી આપવામાં આવી છે. એ.ડી.ના કામે નિવેદન લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે.


