ઘરમાં પુત્રીના રૂમમાં ઘુસી ગયેલા યુવકને મારમારી પરિવારે કરી હત્યા
- મૃતક યુવાનના ઘરની સામે રહેતા પરિવારના સભ્યોની સામે હત્યાનો ગુનો દાખલ
-જૂનાગઢના દોલતપરા વિસ્તારનો ચકચારી બનાવ
જૂનાગઢ, તા. 20 એપ્રિલ, 2020, સોમવાર
જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આજે વહેલી સવારે એક યુવક તેની સામે રહેતા એક ઘરમાં ડિલીવરી કરવા આવેલી પુત્રીના રૂમમાં ઘુસી ગયો હતો. આ અંગે જાણ થથા પરિવાર જાગી ગયો હતો. અને પરિવારના સભ્યોએ ઘરમાં ઘુસી ગયેલા યુવકને બેફામ મારમારતા તેને સિવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. જ્યાં તેનુ મોત થયું હતું. આથી પરિવારના સભ્યો સામે હત્યાનો ગુનો દાખલ કરાયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં ભુવનેશ્વરી સોસાયટીમાં રહેતા બાબુભાઈ પટેલના ઘરે તેની પુત્રી ડિલીવરી કરવા આવી છે. આજે વહેલી સવારે સાડાત્રણ ચાર વાગ્યા તેની સામે રહેતો મનસુખ કડવા માંડવીયા (ઉ.વ. ૩૨ )નામનો શખ્સ બાબુભાઈના ઘરમા તેની પુત્રીના રૂમમાં ઘુસી ગયો હતો. ત્યારે બુમાબુમ થતા પરિવાર જાગી ગયો હતો. અને ઘરમાં ઘુસી ગયેલા મનસુખ કડવા માંડવીયાને બે ફામ મારમાર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનને ૧૦૮માં સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. અને બનાવ હત્યામાં પલટાયો હતો.
આ મામલે મૃતક મનસુખ કડવા માંડવીયાના ભાઈ લખમણભાઈએ બાબુભાઈના ઘરના સભ્યો સામે ફરિયાદ કરતા એ ડિવીઝન પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. અને આ અંગ ઈન્ચાર્જ પી.આઈ. જે.પી. ગોસાઈએ વધુ તપાસ હાથ ધરી છે.