જૂનાગઢમાંથી ફરી ઝડપાયો 33 લાખનો 8268 બોટલ વિદેશી દારૂ ભરેલો ટ્રક
- નાતાલ તથા 31 ડિસે.ની ઉજવણી માટે મગાવાયો હતો દારૂ
- રાજસ્થાનના જોધપુર જિલ્લાના બે શખ્સની ધરપકડ, દારૂ તથા ટ્રક મળી કુલ 53.40 લાખનો મુદામાલ કબ્જેઃ દારૂ કોણે મંગાવ્યો હતો? તે અંગે તપાસ
જૂનાગઢ,તા. 20 ડિસેમ્બર 2019, શુક્રવાર
જૂનાગઢના જી.આઈ.ડી.સી. -૨ વિસ્તારમાં પાર્ક એક ટ્રકમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે એલ.સી.બી.ના સ્ટાફે ત્યાં જઈ રાજસ્થાન પાસીંગના ટ્રકમાં તપાસ કરતા તેમાંથી ૩૩.૨૫ લાખની કિંમતનો ૮૨૬૮ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલ.સી.બી.એ દારૂ તથા ટ્રક મળી કુલ ૫૩.૪૦ લાખનો મુદામાલ કબ્જે કરી રાજસ્થાનના જોધપુર જિલ્લાના બે શખ્સની ધરપકડ કરી હતી. નાતાલ તથા ૩૧ ડિસે.ની ઉજવણી માટે દારૂનો જથ્થો કોણે મગાવ્યો હતો? તે અંગે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ એલ.સી.બી. પી.આઈ. આર.સી. કાનમિયા પી.એસ.આઈ. આર.કે. ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફને નાતાલ તથા ૩૧ ડિસે.ની ઉજવણી માટે મંગાવેલો દારૂ ભરેલો ટ્રક જી.આઈ.ડી.સી.-૨ વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. એલ.સી.બી.ના સ્ટાફે તાકિદે જી.આઈ.ડી.સી.-૨ વિસ્તારમાં જઈ તપાસ કરતા ત્યાં રાજસ્થાન પાસીંગનું આર.જે. ૧૯ જી.બી. ૪૧૭૦ નંબરનાં ટ્રેલર ટ્રક પાર્ક કરેલો જોવા મળ્યો હતો. એલ.સી.બી.ના સ્ટાફે ટ્રકમાં તપાસ કરતા તાલપત્રી નીચે રાખેલી ૬૮૯ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ૩૩,૨૫૮૬૦ ની કિંમતના ૮૨૬૮ બોટલ દારૂ સાથે રાજસ્થાનના જોધપુર જિલ્લાના રૂડકલી ગામના મનિષ લાલારામ બિશ્નોઈ (ઉ.વ.૩૫) તથા જસપાલી ગામના રામરખ રત્નારામ બિશ્નોઈ (ઉવ..૨૩)ની ધરપકડ કરી હતી. અને ૩૩.૨૫ લાખની કિંમતનો દારૂ, ૨૦ લાખની કિંમતનો ટ્રેલર ટ્રક, બે મોબાઈલ ફોન તથા ૨૯૭૦ રૂપિયા રોકડા મળી કુલ ૫૩.૪૦ લાખનો મદામાલ કબ્જે કર્યો હતો. અને આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
આ દારૂના જથ્થો કોણે મંગાવ્યો હતો અને કોને આપવાન ોહતો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આમ નાતાલ તથા ૩૧ ડીસે.ની ઉજવણી માટે આવેલા દારૂના જથ્થાનું કટીંગ કરવા બુટલેગરો પહોંચે તે પૂર્વે પોલીસ પહોંચી ગઈ હતી.
આ ટ્રક રાજસ્થાનથી જૂનાગઢ આવ્યો હતો. તો રસ્તામાં કયાંય કેમ પકડાયો નહી? એ અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
૨૧ નવે.ના દારૂ ભરેલું ગેસ ટેન્કર ઝડપાયું હતું
જૂનાગઢના જેતપુર રોડ પરથી પોલીસે બાતમીના આધારે રાજસ્થાન પાસીંગનાં ગેસ ટેન્કરમાં છુપાવેલો ૫૩.૫૨ લાખની કિંમતનો ૧૨૫૦૪ બોટલ દારૂ પકડયો હતો. તેને એક માસ થયો નથી ત્યાં આજે રાજસ્થાન પાસીંગના ટ્રેલર ટ્રકમોંથી ૮૨૬૮ બોટલ દારૂ ઝડપાયો છે.