જૂનાગઢ જિલ્લાના આઠ ડેમ ખાલી; નવમાં નહિવત પાણી
- વરસાદનું સમયસર આગમન નહીં થાય તો હાલત કફોડી
- જૂન માસમાં વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ મેઘ મહારાજ અદ્રશ્ય થઈ જતાં સુકાતી મોલાત; ખેડૂતોમાં ચિંતા
જૂનાગઢ, તા. 14 જુલાઈ 2019, રવિવાર
જૂનાગઢ જિલ્લામાં વરસાદ ન થતા દિવસે દિવસે કફોડી સ્થિતી થતી જાય છે. હાલ જૂનાગઢ જિલ્લાના ૧૭માંથી આઠ જળાશયો સાવ ખાલીખમ થઇ ગયા છે. જ્યારે નવ જળાશયોમાં એક થી ૧૫ ટકા જેટલો જ પાણીનો જથ્થો છે. સ્થિતીના લીધે ચિંતા વ્યાપી છે.
ગત જૂન માસમાં વાયુ વાવાઝોડાના સમયે જૂનાગઢ જિલ્લામાં વાવણી લાયક વરસાદ થયો હતો. પરંતુ ત્યાર પછી અમુક વિસ્તારમાં છુટક - છુટક વરસાદ થયો હતો. પરંતુ તેમાં કયાંય નદી - નાળામાં પૂર આવ્યું ન હતું. છેલ્લા બે - ત્રણ સપ્તાહથી તો મેઘરાજા ગાયબ થઇ ગયા છે. સવારે મેઘાવી માહોલ થાય છે. પરંતુ હળવા છાંટા બાદ વાદળો વિખેરાઇ જાય છે. અષાઢ માસમાં વરસાદ થયો નથી. આથી દિન- પ્રતિદિન કફોડી હાલત થતી જાય છે.
મોલાત મુરઝાઇ રહી છે. અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હજુ સુધી વરસાદ ન થતા હાલ જિલ્લામાં આવેલા ૧૭માંથી આઠ જળાશયો તળીયા ઝાટક થઇ ગયા છે. સાવ ખાલીખમ છે. જ્યારે નવ જળાશયોમાં એક, બેથી માંડી વધુમાં વધુ ૧૫ ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. જો ટૂંક સમયમાં વરસાદ નહી થાય તો જે જળાશયમાં થોડું ઘણું પાણી બચ્યું છે. તે પણ ખાલી થઇ જશે. અને વધુ ખરાબ હાલત થશે. આથી હવે સૌ કોઇ મેઘરાજા પધરામણી કરે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.