જૂનાગઢ જિલ્લાના 28 ગામોમાં હજુ પણ અંધારપટ્ટ: 46 S.T. રૂટ બંધ
- 'વાયુ' વાવાઝોડાએ સર્જી ખાનાખરાબી
- 150 વીજ ફીડરો પૂર્વવત કરવા ટીમો કામે લાગીઃ અનેક સ્થળોએ વૃક્ષો, વીજપોલ, કાચા મકાનો ધરાશાયી
જૂનાગઢ, 14 જૂન 2019, શુક્રવાર
જૂનાગઢ જિલ્લામાં 'વાયુ' વાવાઝોડાની દહેશત વચ્ચે ઝંઝાવાતી પવન ફૂંકાતા, જિલ્લાના ૪૧૬ ગામોમાં વિજળી વેરણ બની હતી. તેમાં હજુ ૨૮ ગામોમાં અંધારપટ્ટ છવાયેલ છે. ૧૫૦ ફીડરોને પૂર્વવત કરવા પી.જી.વી.સી.એલ.ની ટીમો કામે લાગી છે હજુ એસ.ટી.ના ૪૬ રૂટો બંધ છે.
જિલ્લામાં છેલ્લા ૪૮ કલાક દરમ્યાન ઝઝાવાતી પવન ફુંકાતા અનેક સ્થળોએ વૃક્ષો, વીજપોલ તથા કાચા મકાનો ધરાશાયી છે તેમાં સૌથી વધુ વીજ પોલ પ્રભાવિત થયા છે. તેમાં પી.જી.વી.સી.એલ.ના માંગરોળ, કેશોદ ડિવીઝન હેઠળનાં મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો અસરગ્રસ્ત બન્યો છે.
૪૫૭ વીજ ફીડરો અસરગ્રસ્ત બનતા, મરામતની યુધ્ધની ગતિએ કામગીરી હાથ ધરી ૩૦૭ ફીડરો પૂર્વવત કરાયા છે અને ૧૫૦ ફીડરો પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. પરિણામે વંથલીના ૨૦ અને માળીયાહાટીનાના ૮ ગામોમાં અંધારપટ્ટ છવાયેલ હોવાનું જાણવા મળેલ છે.
પી.જી.વી.સી.એલ. કંટ્રોલરૂમમાં ૧૫૪ ફરિયાદી મળી હતી. તેમાં ૬૫નો નિકાલ કરાયો છે અને ૮૯માં કામગીરી ચાલી રહી છે. પવન શાંત થતા વરસાદ વરસવાનું શરૂ થતાં આ કામગીરીમાં ખલેલ પહોંચી રહી છે.
ઉપરાંત સાસણમાં ફાતમાબેન રહીમના કાચા મકાનની બે દિવાલો વરસાદ અને પવનને કારણે ધરાશાયી થઇ છે. માળીયાના જાનુડા ગામે રમેશ હીરા સવેરાના મકાન ઉપર લીમડાના ઝાડની ડાળી પડતા નુકશાન થયું છે. માળિયાના પાણકવામાં જયંતી મુદ્દામાલ ટીલાવતના નળીયાની અડધી છત તથા એક દિવાલ ધરાશાયી થઇ છે.
ઉપરાંત તેજ ગામના જગા વીરા ચાવડાના મકાનના પતરા ભારે પવનને કારણે ઉડયા હતા અને દિવાલને નુકશાન થયું હતું. જૂનાગઢના નરસિંહ સરોવર પાસે માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થતા, માર્ગ વ્યવહાર અટકી ગયો હતો. મનપા દ્વારા ઝાડને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.
તેમજ જૂનાગઢના તિલાળા રોડ ઉપર તાલીમ ભવનની બાજુમાં મકાનની દિવાલ જમીન દોસ્ત થઇ છે. વંથલીના વોર્ડ-૨માં હાઇસ્કૂલ પાસે ગટર ઉભરાતા આસપાસ ગટરના ગંદા પાણી ફરી વળ્યા હતા. વંથલી સુધરાઇ દ્વારા સફાઇ કામગીરી હાથ ધરાઇ છે.
જયારે એસ.ટી. વિભાગ પણ ભારે પવનને કારણે પ્રભાવિત થતા આજે ત્રીજા દિવસે કેશોદ ડેપોના ૬, માંગરોળ ડેપોના ૩૨ અને બાંટવા ડેપોના ૮ રૂટો બંધ છે. કયાંક માર્ગો ધોવાયા છે. કયાંક વૃક્ષો વિઘ્નરૂપ બન્યા છે.