જૂનાગઢ જિલ્લાના 246 લોકોનો 14 દી'નો ક્વોરન્ટાઇન સમય પૂર્ણ
- અન્ય દેશ તથા રાજ્યમાંથી આવેલા
જૂનાગઢ, તા. ૩ એપ્રિલ, 2020
કોરોના વાયરસને રોકવા અન્ય દેશ તેમજ રાજ્યમાંથી આવેલા લોકોને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં ક્વોરન્ટાઇનમાં રહેલા આવા કુલ ૨૪૬ લોકોના ૧૪ દિવસનો ક્વોરન્ટાઇન સમય આજે પૂર્ણ થયો છે. હજુ કુલ ૧૭૧ લોકો ઘરમાં તેમજ સરકારી સુવિધામાં ક્વોરન્ટાઇન હેઠળ છે. જ્યારે આઇસોલેશન વોર્ડમાં હાલ એક પણ વ્યકિત નથી.
હજુ ૧૬૫ લોકો હોમ ક્વોરન્ટાઇનમાં તથા છ લોકો સરકારી સુવિધામાં ક્વોરન્ટાઇન હેઠળ, આઇસોલેશન વોર્ડમાં હાલ નથી એક પણ વ્યકિત
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે હાહાકાર છે. ત્યારે આ વાયરસના સંક્રમણને પ્રસરતુ રોકવા હાલ દેશમાં લોકડાઉન છે. જૂનાગઢ જિલ્લામાં જે લોકો વિદેશથી તેમજ અન્ય રાજ્યમાંથી આવ્યા હતા. તેવા લોકોને હોમ ક્વોરન્ટાઇન અને સરકારી સુવિધામાં ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા.
જૂનાગઢ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારના ૧૧૪ અને શહેરી વિસ્તારના ૧૩૧ મળી કુલ ૨૪૬ લોકોનો ૧૪ દિવસનો હોમ ક્વોરન્ટાઇનનો સમય પૂર્ણ થયો છે. છતાં તંત્ર દ્વારા આ લોકોને હજુ ૧૪ દિવસ સુધી ક્વોરન્ટાઇન હેઠળ રહેવા સલાહ આપવામાં આવી છે.