Get The App

15 વર્ષ જૂનાં વાહનનો નિયમ જંગલને પણ અસરકર્તાઃ સાસણ સફારી માટે નવી કાર આવશે

Updated: Feb 24th, 2023


Google NewsGoogle News
15 વર્ષ જૂનાં વાહનનો નિયમ જંગલને પણ અસરકર્તાઃ સાસણ સફારી માટે નવી કાર આવશે 1 - image


આફ્રિકાનાં જંગલોમાં ચાલતી કાર જેવું મોડિફાઈડ વર્ઝન  તૈયાર : પ્રવાસીઓની સંખ્યા, જંગલનું વાતાવરણ, વનતંત્રનાં નિયમોને ધ્યાને લઈ કારની ડીઝાઈન બનાવાઈ, સાતને બદલે નવ સવારી સમાવી શકાશે

 જૂનાગઢ, : સાસણ ખાતે વર્ષોથી જંગલની સફારી માટે જીપ્સી ગાડી ઉપયોગમાં લેવામાં આવી રહી છે, પરંતુ જીપ્સી ગાડીનું નવું પ્રોડક્શન બંધ થઈ જતા અને હવે 15 વર્ષથી જૂના કોમર્સિયલ વાહનો અંગેનો નવો બંધનકર્તા નિયમ અમલી બનતાં જંગલના રસ્તાઓ પર રફ્તારફ્તા નવી ગાડીઓ આવવાની છે. જંગલ સફારી માટે ખાસ મોડીફાઇડ કાર તૈયાર કરવામાં આવી છે અને તેની સંપૂર્ણ ડીઝાઇન પણ તૈયાર થઈ ગઈ છે. આ કારને વન વિભાગ દ્વારા જંગલમાં ચલાવવા માટેની મંજૂરી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સાસણના જંગલમાં સિંહ જોવા આવતા પ્રવાસીઓ માટે જંગલ સફારીમાં પેટ્રોલ જીપ્સીનો વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કોરોના કાળ પછી હવે નવી જીપ્સીનું પ્રોડક્શન બંધ થઈ ગયું છે. આરટીઓના નિયમ મુજબ 15 વર્ષ જૂનું વાહન થઈ ગયા બાદ તેનું રી-પાસિંગ કરાવવું પડે છે. પરંતુ વનતંત્ર દ્વારા રી-પાસિંગ થયેલી ગાડીઓ ચલાવવાની મંજૂરી આપવામાં આવતી નથી, જેથી ૧૫ વર્ષ જૂની ગાડીના માલિકો દ્વારા સાસણમાં કઈ ગાડી ચલાવવી તેનો પ્રશ્ન સર્જાય તેમ હતો, જેને ધ્યાને લઈ વનતંત્ર દ્વારા આફ્રિકામાં અને ભારતના અલગ-અલગ જંગલોમાં ચાલતી મોડીફાઇડ કાર અંગે વિચારણા કરવામાં આવતી હતી. વિચારણાના અંતે  આ કારને વનવિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

એ કારની કંપની પ્રાઈઝ 15 લાખ રૂપિયાની આસપાસ છે પરંતુ સાસણના જંગલને અનુરૂપ તેને મોડીફાઇડ કરવાથી કિંમત 18 લાખ રૂપિયા જેવી થવા જાય છે. ખુદ વનવિભાગ દ્વારા સાસણ ખાતે બે કારનું બુકિંગ પણ કરાવી દેવામાં આવ્યું છે અને હવે ગણતરીના દિવસોમાં નવી મોડીફાઇડ કાર સાસણના વન તંત્ર પાસે આવી જશે. તેવી જ રીતે સાસણના જીપ્સી એસોસિએશન દ્વારા પણ કુલ છ મોડીફાઇડ કાર તૈયાર કરવા કંપનીને ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે છમાંથી પાંચ કાર લેવાનું જીપ્સી એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

જીપ્સીનું સીટીંગ મુજબ એક ડ્રાઇવર, એક ગાઈડ અને છ પ્રવાસીઓનો સમાવેશ થઈ શકે તેવી બેઠક વ્યવસ્થા છે, જ્યારે હવે જે નવી કાર આવવાની છે તેના સીટિંગ મુજબ સાત અને બદલે નવ પ્રવાસીનો સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા છે. આ કાર બીએસ૬ ડીઝલ વર્ઝન છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને આફ્રિકાના જંગલોમાં આ કાર જંગલ સફારીમાં ચાલી રહી છે. હવે આવી કેટલીક કાર સાસણના જંગલ સફારી રૂટ પર ટુંક સમયમાં જોવા મળશે. હાલમાં કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા નહીં પરંતુ જીપ્સી એસોસિએશન દ્વારા જ 5 કાર સંયુક્ત રીતે ખરીદી કરવામાં આવી છે તેના માટે જીપ્સી એસોસિયેશનના તમામ સભ્યોએ નાણાં આપી કાર ખરીદ કરવાનું નક્કી કર્યું છે.

સાસણ ખાતે દરરોજ 150 પરમીટ કાઢવામાં આવે છે. આ ઉપરાંત કોઈ તહેવારો કે શનિ-રવિના દિવસોમાં 180 પરમિટ કાઢવામાં આવે છે. સાસણના જીપ્સી એસોસિએશનમાં કુલ 181  જીપ્સીઓ છે. હવે સાસણના જીપ્સીના સંચાલકોએ સરકારના નિયમ મુજબ પોતાની જીપ્સીની સમય મર્યાદા પૂર્ણ થશે ત્યારે આ મોડીફાઇડ કાર લેવી પડશે.તેમાનાં અનેકની કાર તો 15  વર્ષની મર્યાદામાં આવતી નથી, પણ બાકીની જે જૂની કારો છે, તે તેની નિયત સમયમર્યાદા પૂરી થયે બદલાવવી પડશે તેમ જાણવા મળે છે.

કંપની દ્વારા સાસણ માટે ટુંક સમયમાં જ કાર તૈયાર કરી એસોસિએશનને સોંપવામાં આવશે. આ પહેલા વનતંત્ર દ્વારા બુક કરાવાયેલી બે કાર આઠ દિવસમાં આવી જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જંગલના વનરાજો હવે જીપ્સીને બદલે નવી મોડીફાઇડ કારમાં પ્રવાસીઓને જોશે અને પ્રવાસીઓ નવી કારમાં જંગલની સફારીની મજા માણશે.

નવી કારમાં જંગલમાં ટહેલવાનું ભાડું વધવા સંભવ

જંગલની અંદર સિંહ જોવા માટે જીપ્સીનો ઉપયોગ કરવામાં આવે છે. જીપ્સીનું અંદાજિત 2000  રૂપિયા જેટલું ભાડું વસૂલવામાં આવે છે. હવે નવ સીટીંગની નવી મોડીફાઇડ કારનું ભાડું રૂા. 2500 આસપાસ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. જીપ્સી પેટ્રોલ કાર હોવાના કારણે જંગલના વાતાવરણમાં પ્રદૂષણ ન થાય તેને ધ્યાને રાખવામાં આવ્યું હતું. હવે બીએસ૬ કાર પણ પ્રદૂષણ મુકત હોવાથી જંગલનાં સફારી રૂટ પર જીપ્સીનાં બદલામાં આ કાર દોડશે.


Google NewsGoogle News