જૂનાગઢમાં દેશી પિસ્તોલ, તલવાર પાઇપ સાથે 13 શખ્સો ઝડપાયા
- પોલીસે બે કારની તલાશી લેતા હથિયારો મળી આવ્યા
- જેની સાથે માથાકુટ થઈ હતી તે શખ્સને શોધતા હોવાની પોલીસ સમક્ષ કબુલાત, 5.74 લાખનો મુદામાલ કબ્જે કરાયો
જુનાગઢ, તા. 7 જુલાઈ 2019, રવિવાર
જૂનાગઢના સક્કરબાગ નજીકથી પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન બે કારમાં સવાર ૧૩ શખ્સોને દેશી પિસ્તોલ, તલવાર, પાઈપ જેવા હથિયાર સાથે ઝડપી લીધા હતા. પોલીસની તપાસ દરમિયાન જે શખ્સો પાસેથી હથિયારો મળી આવ્યા હતા તેઓએ વરજાંગ રબારી સાથે થયેલી માથાકુટના કારણે તેને હથિયારો સાથે શોધતા હોવાની કબુલાત આપતા પોલીસે રૂા.૫.૭૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ જુનાગઢ મનપાની ચૂંટણી અનુસંધાને એ ડિવિઝન પોલીસનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો ત્યારે સક્કરબાગ નજીકથી બાતમીના આધારે પોલીસે એક સ્વીફટ તથા એક આઇ-૧૦ કારને રોકી તપાસ કરતા તેમાંથી એક લોડેડ પિસ્ટલ, ત્રણ કાર્ટિસ, એક તલવાર, ચાર પાઈપ તથા છ લોખંડના સળિયા મળી આવતા પોલીસે કારમાં સવાર હુસેન હાસમ મતા, નવાઝખાન નસીરૂદીન પઠાણ, બસીર હારૂન ચોપડા, હનીફ કાસમ પિંજારા, અબ્દુલ રહેાન કયુમ જુણેજા, સોયબ મુસા ઘાચી, શબ્બીર ઝાકીર ગુમારેલીયા, સલીમ કયુબ જુણેજા, સાજીદ સાલમ આરબી, સાહિલ ઇલ્યાસ સોરઠીયા, મુસ્તાક પીરૂ શેખ, તૌફીક રજાક સૈયદ, તથા અમીન યુસુફ શેખની ધરપકડ કરી હતી. અને કાર તથા હથિયાર મળી ૫.૭૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ શખ્સોને કોઈ વરજાંગ રબારી સાથે માથાકુટ થઈ હોવાથી તેને શોધતા હોવાની કબુલાત આપી છે. તેઓની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.