જામનગર: લાલપુર તાલુકાના આરબલુસ ગામની નવ પરણિતા દહેજના ખપ્પરમાં હોમાઈ
- પતિ સાસુ અને જેઠાણીના દહેજના ત્રાસથી ગળાફાંસા દ્વારા જીવ દીધો
જામનગર, તા.29 જુલાઇ 2020, બુધવાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં એક નવ પરણિતા દહેજના ખપ્પરમાં હોમાઇ ગઇ છે, પતિ સાસુ અને જેઠાણીના દહેજના ત્રાસને કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં પોલીસે ત્રણેય સામે આત્મહત્યા કરવાની પ્રેરણા આપવા અંગે ગુનો નોંધ્યો છે.
ભાવનગર તાલુકાના ભંડારિયા ગામના વતની જયુભા કનુભા ગોહિલની પુત્રી પૂર્ણાબા કે જેના લગ્ન ગત 31મી જાન્યુઆરી 2020 ના દિવસે લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા શક્તિસિંહ રાજુભા જાડેજા સાથે થયા હતા.
જે લગ્નના ત્રીજા માસથી જ દહેજના કારણે પૂર્ણાબાને ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. અને પતિ નોનવેજ બનાવવા માટે દબાણ કરતો હતો. ઉપરાંત દહેજ ઓછું લાવી છો તેમ કહી પતિ સાસુ અને જેઠાણી અવારનવાર મેણાં ટોણાં મારી ત્રાસ ગુજારતા હતા.
જેઓ નો ત્રાસ સહન નહીં થતાં પૂર્ણાબાએ પરમદીને પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ જિંદગીનો અંત લાવી દીધો હતો. આ મામલો લાલપુર પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને લાલપુર પોલીસે પૂર્ણાબા ના માવતર પક્ષને ભાવનગર જાણ કરતાં મૃતકના પિતા જયુભા ગોહિલ લાલપુર દોડી આવ્યા હતા.
જેમણે પોતાની પુત્રીને દહેજના કારણે ત્રાસ અપાતો હોવાનું જણાવ્યું હતું. આખરે સાસરીયાઓ સામે જામનગરના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. મૃતકના પિતા જયુભા ગોહિલની ફરિયાદના આધારે મૃતકના પતિ શક્તિસિંહ રાજુભા જાડેજા, સાસુ રેખાબા રાજુભા જાડેજા, અને જેઠાણી અનિતાબા અનુપ સિંહ જાડેજા સામે આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપવા માટેની કલમ સહિતનો ગુનો નોંધાવ્યો છે. મહિલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.