જામનગરના આજે લોક ડાઉન-4ની છૂટછાટની સાથે જ ભારે અફડાતફડીનો માહોલ
જામનગર, તા.19 મે 2020, મંગળવાર
જામનગર શહેર અને જિલ્લામાં આજે લોક ડાઉન-4 દરમિયાન વેપાર-ધંધા શરૂ કરવા માટેની છૂટછાટ અપાતાની સાથે શહેરની મોટાભાગની બજારો ખુલી ગઇ છે. એટલું જ માત્ર નહીં લોકોએ ખરીદી કરવા માટે પણ એટલી જ ભીડ જમાવી દીધી છે.
ચોતરફ લોકો ખરીદી માટે નીકળી પડતા શહેરમાં અનેક સ્થળોએ ચક્કાજામ થઈ ગયો છે. અને લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલીને ઉતરી પડતા અત્યંત ચિંતાજનક માહોલ બની ગયો છે.
જામનગરના ત્રણ બત્તીથી લઈને શાક માર્કેટ માર્કેટ સુધીના રણજીત રોડના માર્ગ વિસ્તાર, સુપર માર્કેટનો એરીયો વગેરે મુખ્ય બજારમાં એકી સાથે લોકો પોતાનાં વાહનો સાથે ઉમટી પડ્યા હતા.
જેથી જામનગરના વહીવટીતંત્રની ચિંતામાં વધારો થયો છે. અને પોલીસ તંત્ર અનેક સ્થળે લોકોને સમજાવી સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યું છે.