જામનગર, તા.19 મે 2020, મંગળવાર
જામનગર શહેરમાં રણજીત રોડ પર નવી વાસ સામે બજરના વેચાણની બે દુકાનો આવેલી છે જ્યારે રતનબાઇ મસ્જિદ નજીક એક બજરના વેપારીની દુકાન આવેલી છે. જે દુકાન આજે સવારે ખુલતાની સાથે જ બજરના બંધાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શરૂઆતમાં પોલીસે પ્રયત્ન કરીને બજારના બંધાણીને લાઈનમાં ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કેટલીક બજરની બંધાણી મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી, અને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. બજર ખરીદવા માટે મહિલા સહિતના લોકોની તાલાવેલી તેમ જ ઉતાવળ જોઇને પોલીસ તંત્ર પણ દ્વિધામાં મુકાયું હતું. વેપારીઓની પણ હાલત કફોડી બની ગઇ હતી.
આખરે થોડી ક્ષણો માટે પોલીસ દ્વારા વેપારીઓની દુકાન બંધ કરાવી હતી. અને ખરીદી માટે આવેલી મહિલા સહિતના લોકોના ટોળાને વિખેર્યું હતું. જો કે મોડેથી દુકાનો ખોલવાની પ્રક્રિયા શરૂ કરાઇ હતી, અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે રીતે વેપાર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
આ ઉપરાંત જામનગરમાં બેડીગેઇટ, ગ્રેઈન માર્કેટ રણજિત રોડ સહિતના જુદા- જુદા વિસ્તારોમાં બીડી, તમાકુ, સોપારી સહિતની હોલસેલના વેપારીની દુકાનોના દરવાજે વહેલી સવારથી જ કેટલાક પાનના છૂટક વિક્રેતાઓ તેમજ લોકો ખરીદી માટે હાજર થઇ ગયા હતા.
પરંતુ આગમચેતીના પગલારૂપે મોટાભાગના હોલસેલરોએ પોતાના વેપાર-ધંધા શરૂ કર્યા ન હતા. અને પોતાની દુકાનો વગેરે બંધ રાખી હતી. જોકે કેટલાક વેપારીઓ પાસે કોઈપણ પ્રકારના માલ-સામાન ન હોવાનું પણ જણાવાયું હતું. જ્યારે કેટલાક લોકોને અફડાતફડી થવાનો ભય હોવાથી પોતાના વેપાર-ધંધા શરૂ પણ કર્યા નથી.


