જામનગરમાં નાગેશ્વર વિસ્તાર અને રંગમતી નદીના પટમાં જળબંબાકાર
- નાગેશ્વર તરફનો માર્ગ અવર-જવર માટે બંધ:અનેક વાહનો પાણીમાં ડૂબ્યા
જામનગર, તા. 7 જુલાઈ 2020 મંગળવાર
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને ચોમેર પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.
ખાસ કરીને જામનગરનો નાગેશ્વર વિસ્તાર સંપૂર્ણ પણે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. રંગમતી નદીના પટમાં પાણીના ધસમસતા પ્રવાહને કારણે અનેક વાહનો ડૂબ્યા છે અને નાગેશ્વર તરફનો માર્ગ બંધ થયો છે.
જામનગર ના રણજીત સાગર ડેમ અને કંકાવટી ડેમ ઓવરફલો થયા પછી રંગમતી-નાગમતીનો ધસમસતો પ્રવાહ જામનગરના સુભાષ બ્રિજ નીચેથી પસાર થઇ રહ્યો છે. અને રંગમતી નદીનો પટ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયો છે. જેના કારણે અનેક વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
વ્હોરાનો હજીરો પણ પાણીમાં ડૂબયો છે. નાગેશ્વર સહિતના વિસ્તારોમાં જળબંબાકારના કારણે અનેક લોકો ફસાયા છે અને નાગેશ્વર તરફ જવાનો માર્ગ બંધ થયો છે.
ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો હોવાથી જળબંબાકારની સ્થિતી યથાવત રહી છે અને સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.