Jamnagar

જામનગરમાં એક જ રાતમાં ચોરીના બે બનાવ : ફ્રૂટની દુકાન અને બંધ મકાનમાંથી રૂ. 3.79 લાખનો મુદ્દામાલ ચોરાયો

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં એક જ રાત્રિમાં તસ્કરોએ બે સ્થળોએ ચોરી કરી ચકચાર જગાવી છે. સટ્ટાબજાર નજીક ફ્રૂટની દુકાનમાંથી 88,350 રૂપિયા રોકડા ઉઠાવી લીધા હતા. લાલવાડીના કૌશલનગરમાં બંધ મકાનમાંથી 1,81,200 રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. કુલ 2,69,550 રૂપિયાની મત્તા ચોરાઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં એક જ રાતમાં ચોરીના બે બનાવ : ફ્રૂટની દુકાન અને બંધ મકાનમાંથી રૂ. 3.79 લાખનો મુદ્દામાલ ચોરાયો

Jamnagar: જામનગર શહેરમાં તસ્કરોએ એક જ રાત્રિ દરમિયાન બે અલગ-અલગ સ્થળોએ ચોરીને અંજામ આપતાં ચકચાર મચી છે. શહેરના સટ્ટાબજાર નજીક આવેલી એસ.પી. મહેતા માર્કેટમાં ફ્રૂટની દુકાનમાંથી રૂ. 88,350ની રોકડ રકમની ચોરી થઈ હતી, જ્યારે લાલવાડી વિસ્તારના કૌશલનગરમાં બંધ મકાનનાં તાળાં તોડી રૂ. 1,81,200ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આમ, બંને બનાવમાં કુલ રૂ. 2,69,550ની મત્તા ચોરાઈ જતાં અલગ-અલગ પોલીસ મથકોમાં ગુના નોંધાયા છે.

પ્રથમ બનાવની વિગત મુજબ, જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા 73 વર્ષીય બલીરામ ઉધમલ દુલાણી સટ્ટાબજાર નજીક એસ.પી. મહેતા માર્કેટમાં દુકાન નં. એ-03 ખાતે ‘બજરંગ ફ્રૂટ’ નામની દુકાન ચલાવે છે. આજે સવારે આશરે સાડા નવ વાગ્યે તેઓ દુકાને પહોંચ્યા બાદ કબાટ ખોલીને જોતાં તેમાં રાખેલી વેપારની રોકડ રકમ ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.


દુકાનની તપાસ કરતાં પાછળના દરવાજાનો નીચેનો ભાગ તૂટેલો જોવા મળ્યો હતો. અજાણ્યા તસ્કરોએ દરવાજાનો ભાગ તોડી દુકાનમાં પ્રવેશ કરી કબાટમાં પૂંઠાના બોક્સની અંદર સફેદ પ્લાસ્ટિકની થેલીમાં રાખેલી રૂ. 500 અને રૂ. 200ના દરની નોટો સહિત કુલ રૂ. 88,350ની રોકડ રકમ ચોરી લીધી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે વેપારી બલીરામ દુલાણીની ફરિયાદ પરથી સિટી બી-ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધ્યો છે.

બીજા બનાવમાં કૌશલનગરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. લાલવાડી વિસ્તારમાં જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં આવેલી ગિરિરાજ પાર્ક સોસાયટી, શેરી નં. 7માં રહેતા અને ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા 28 વર્ષીય પ્રતીકભાઈ નિશીતભાઈ પરમાર ગત તા. 19 ઓક્ટોબરની રાત્રે પરિવાર સાથે મકાનને તાળું મારી બહારગામ ગયા હતા.

દરમિયાન આજે વહેલી સવારે તેમના પાડોશીએ મકાનમાંથી બે અજાણ્યા શખ્સોને બહાર નીકળતા જોયા હતા. પાડોશીએ બંનેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નાસી છૂટ્યા હતા. આ અંગે ફોનથી જાણ કરવામાં આવતાં પ્રતીકભાઈ ભાવનગરથી જામનગર પરત ફર્યા હતા.

ઘરે આવી તપાસ કરતાં મકાનનાં તાળાં તૂટેલી હાલતમાં અને કબાટ ખુલ્લાં જોવા મળ્યાં હતાં. કબાટમાંથી આશરે દોઢ તોલા સોનાના દાગીના તથા 477 ગ્રામ ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 1,81,200ની કિંમતનો મુદ્દામાલ ચોરાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પ્રતીકભાઈ પરમારની ફરિયાદ પરથી સિટી એ-ડિવિઝન પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

આમ, શહેરમાં ફ્રૂટની દુકાન અને બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ કુલ રૂ. 2.69 લાખથી વધુની મત્તા ચોરી લીધી હતી. બંને ચોરીના બનાવ અંગે સિટી એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસે અલગ-અલગ ગુના નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.