Gujarat

લાલપુરના એક કોન્ટ્રાક્ટર યુવાનને ખટારા હેઠળ કચડી નાખવાની 5 લાખની સોપારી આપનારા બે શખ્સોને જેલમાં ધકેલાયા

By GS Team
14 Feb 20222 mins read
This article was originally published on 14 Feb 2022
લાલપુરના એક કોન્ટ્રાક્ટર યુવાનને ખટારા હેઠળ કચડી નાખવાની 5 લાખની સોપારી આપનારા બે શખ્સોને જેલમાં ધકેલાયા

જામનગર, તા. 14

જામનગર જિલ્લાના લાલપુરમાં રહેતા અને કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા એક કોન્ટ્રાક્ટર યુવાનને ખટારા હેઠળ કચડી નાખવાનો કારસો રચવા રૂપિયા પાંચ લાખની સોપારી આપવાના ગુનામાં પકડાયેલા લાલપુર તાલુકાના રીંજપર તેમજ સણોસરા ગામના બે શખ્સોને લાલપુર પોલીસે પકડી પાડયા પછી અદાલત સમક્ષ રજૂ કરતાં બન્નેને જેલમાં ધકેલી દેવાયા છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે લાલપુરમાં સાનિધ્ય પાર્ક સોસાયટીમાં રહેતા અને કન્ટ્રકશનનો વ્યવસાય કરતા પ્રવીણભાઈ કાનજીભાઈ વસરા નામના 42 વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને પોતાના ઉપર ખટારો ચડાવી દઇ પતાવી નાખવાનો કારસો રચવામાટે રૂપિયા પાંચ લાખની સોપારી આપવા અંગે રીંજપર ગામના નારણભાઈ ચનાભાઈ બૈડીયાવદરા તેમજ ડાડુ સાજણભાઈ ગાગલીયા સામે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને લાલપુર પોલીસે આઈ.પી.સી.કલમ 120-બી અને 115 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, અને બન્ને શખ્સોને પકડી પાડયા હતા. જેઓએ જૂની અદાવતનું મનદુ:ખ રાખીને તેમજ પવન ચક્કીના કોન્ટ્રાક્ટના ધંધા ખારના કારણે આ કાવતરું ઘડયું હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

ઉપરાંત લાલપુરના જ હુસેનભાઈ ગુલમામદ શમા ને બોલાવીને તને પાંચ લાખ રૂપિયા અથવા તો એક જુનો ટ્રક ખરીદી ને આપશુ, જ્યારે તારે કોન્ટ્રાક્ટર પ્રવીણભાઈ પર ખટારો ચડાવી દઈ પતાવી નાંખવાના રહેશે,તે મુજબની સોપારી આપી પૂર્વયોજીત કાવતરું ઘડ્યું હતું.

ફરિયાદી કોન્ટ્રાક્ટર યુવાન તેમજ હુસેનભાઇ કે જે બંનેને અગાઉ ઝઘડો થયો હતો, જેના અનુસંધાને હુસેન ભાઈને ટાર્ગેટમાં લઈને હત્યા કરવા માટે ઉશ્કેર્યા હતા. પરંતુ હુસેનભાઇએ હત્યા કરવાના બદલે બંને કારસો રચનારના નામ જાહેર કરી દીધા હતા. જેથી સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જે બન્ને આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરતાં જેલમાં ધકેલી દેવાયા છે.