Jamnagar

જામજોધપુરમાં બોલેરો પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધેલાં આઠ ભેંસ-પાડાં સાથે બે શખ્સો ઝડપાયા

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
જામજોધપુરમાં ગાય સર્કલ નજીકથી પોલીસે પશુઓને ઘાતકી રીતે લઈ જવાના કેસમાં 2 શખ્સોને ઝડપી લીધા. મહિન્દ્રા બોલેરો પીકઅપમાં 8 ભેંસ-પાડાંને ખીચોખીચ ભરી, ઘાસચારા-પાણી વિના લઈ જવાતા હતા. પોલીસે રૂ. 3.23 લાખનો મુદ્દામાલ કબજે કરી, દાનીશ હિંગોરા અને આરીફ હિંગોરાની ધરપકડ કરી. પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુરમાં બોલેરો પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધેલાં આઠ ભેંસ-પાડાં સાથે બે શખ્સો ઝડપાયા

Jamnagar: જામજોધપુરમાં ગાય સર્કલ નજીક જાહેર માર્ગ પરથી પશુઓને ઘાતકી રીતે બાંધીને લઈ જવામાં આવતા હોવાની કાર્યવાહી દરમિયાન પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહનમાં ખીચોખીચ ભરેલાં આઠ ભેંસ-પાડાં સહિત કુલ રૂ. 3.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસમાં નોંધાયેલી વિગત મુજબ, તા. 11 ઓક્ટોબર, 2026ના રોજ વહેલી સવારે જામજોધપુર પોલીસ સ્ટેશનના ટાઉન બીટ વિસ્તારમાં ગાય સર્કલ નજીક જાહેર રોડ પરથી પસાર થતા મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન નંબર જીજે-37-ટી-9299માં પશુઓને ઘાતકી રીતે બાંધીને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું.

આથી પોલીસે વાહન અટકાવી તપાસ કરતાં તેમાં ત્રણ ભેંસ, બે પાડીઓ અને ત્રણ નાના પાડા મળી કુલ આઠ પશુઓ મળી આવ્યાં હતાં. પશુઓને ત્રાસ થાય તે રીતે ખીચોખીચ ભરીને બાંધવામાં આવ્યાં હતાં તેમજ તેમના માટે ઘાસચારા અને પાણીની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નહોતી. પશુઓને લઈ જવા અંગે જરૂરી પાસ-પરમિટ કે આધાર પણ ન હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

આ મામલે પોલીસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઢેબર ગામે ટાવર પાસે રહેતા દાનીશભાઈ મામદભાઈ હિંગોરા (ઉંમર 27, વ્યવસાય ડ્રાઇવિંગ) અને આરીફભાઈ ઇબ્રાહીમભાઈ હિંગોરા (ઉંમર 38, વ્યવસાય મજૂરી)ની ધરપકડ કરી હતી.

પોલીસે આઠ પશુઓની કિંમત રૂ. 73,000 અને બોલેરો પીકઅપની કિંમત રૂ. 2.50 લાખ મળી કુલ રૂ. 3.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના અધિનિયમની કલમ 11(ડી), 11(ઈ), 11(એફ) અને 11(એચ) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.