Get The App

જામનગર તાલુકાના ચેલા ગામમાંથી પકડાયેલા નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનું પગેરૂ મહારાષ્ટ્ર સુધી લંબાવાયું

- એસઓજીની ટુકડીએ મહારાષ્ટ્રનાં પનવેલમાંથી ડ્રગ્સના મુખ્ય સપ્લાયરને બે દિવસની રજળપાટ પછી ઉઠાવી લીધો

Updated: Nov 24th, 2021

GS TEAM


Google News
Google News
જામનગર તાલુકાના ચેલા ગામમાંથી પકડાયેલા નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનું પગેરૂ મહારાષ્ટ્ર સુધી લંબાવાયું 1 - image


જામનગર તા, 23 નવેમ્બર 2021 મંગળવાર

જામનગર તાલુકાના ચેલા ગામ માંથી એસ.ઓ.જી. શાખાની ટુકડીએ દરોડો પાડી નશીલા પદાર્થો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો હતો, અને એક આરોપીની ધરપકડ કરી હતી. જે પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવ્યા પછી મહારાષ્ટ્રના પનવેલ માંથી ડ્રગ્સ સપ્લાય થયો હોવાનું ધ્યાનમાં આવતા એસ.ઓ.જી.ની ટુકડીએ મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા હતા, અને બે દિવસની રજળપાટ પછી ડ્રગ્સના મુખ્ય સપ્લાયરને પકડી પાડયો છે, અને જામનગર લઈ આવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ આજથી 10 દિવસ પહેલાં જામનગર તાલુકાના ચેલા ગામમાં દરોડો પાડી ઇમ્તિયાજ રસિદ લાખા નામના શખ્સને પકડી પાડયો હતો, અને તેના રહેણાંક મકાનમાંથી રૂપિયા 3 લાખ 40 હજારની કિંમત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો.

જેની પૂછપરછ દરમ્યાન પોતે મહારાષ્ટ્રનાં પનવેલ માંથી ખાનગી લક્ઝરી બસ મારફતે આયાત કર્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી એસઓજીની ટીમ દ્વારા વધુ તપાસ ચલાવ્યા પછી આગળની તપાસનો દોર મહારાષ્ટ્રના પનવેલ તરફ લંબાવ્યો હતો.

એસ.ઓ.જી. ની એક ટુકડી મહારાષ્ટ્રના પનવેલમાં પહોંચી હતી, અને ડુંગરાળ વિસ્તારમાં બે દિવસની રજળપાટ પછી પનવેલ ની બાજુમાં વહાલગાવ માં રહેતા આસિફ ઉર્ફે આસિફલાલા શાહબુદ્દીન પીરાણી નામના શખ્સને પકડી પાડયો હતો.

જેની પૂછપરછમાં તેણે નશીલા પદાર્થ નો જથ્થો જામનગર સપ્લાય કર્યોહોવાની કબૂલાત આપી દીધી હતી. જેથી તેને જામનગર લઈ આવ્યા પછી વધુ પૂછપરછ કરવા માટે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં સુપરત કરી દીધો છે. જેની પૂછપરછમાં હજુ વધુ સપ્લાયરો ના નામ ખુલે તેવી શક્યતા છે.

Tags :