જામનગરના ત્રણ બત્તી વિસ્તારને સીલ કરાયા પછી ટાઉનહોલથી બેડી ગેટ તરફ જવાનો માર્ગ પણ સીલ કરાયો
જામનગર, તા. 23 મે 2020 શનિવાર
જામનગરના સ્વામિનારાયણ નગર વિસ્તારના એક નેપાળી યુવાનનો કોરોના વાઈરસનો પોઝીટીવ રિપોર્ટ આવ્યા પછી અને દર્દીની ત્રણ બત્તી વિસ્તારમાં એક દવાની દુકાન તેમજ હોટલમાં અવર-જવર થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી વહીવટી તંત્ર દ્વારા ત્રણ બત્તીના સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
કોરોનાવાયરસ નો સંક્રમિત દર્દી કે જે ત્રણ બત્તી પાસે આવેલી હીરા મેડિકલ સ્ટોરમાં દવા લેવા માટે આવ્યો હોવાથી સમગ્ર દવાની દુકાન ને ડીશઇનફેક્ટ કરવામાં આવી હતી. સાથોસાથ આસપાસના વિસ્તારને શેનીટાઇઝ કરાયો હતો.
હીરા મેડિકલ સ્ટોર ના સંચાલકો અને કર્મચારીઓ સહિત કુલ 23 વ્યક્તિને હોમ ક્વૉરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે અને સેમ્પલો પણ લેવાયા છે.
તે જ રીતે કોરોના સંક્રમિત દર્દી ના પિતા કલ્પના હોટલમાં કામ કરતા હોવાથી કલ્પના હોટેલ ના માલિકો અને અન્ય કર્મચારીઓ સહિત વધુ 22 વ્યક્તિઓને હોમ કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે અને તેઓના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે.
કોરોના સંક્રમિત દર્દી અને તેના માતા-પિતા સહિતના સૅમ્પલો લેવામાં આવ્યા હતા. જોકે પિતા નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યાર પછી માતાના સેમ્પલને શંકાસ્પદ ગણી ફરીથી ટેસ્ટિંગ કરાયું હતું. જોકે તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. કોના સંક્રમિત દર્દી ત્રણ બત્તી આસપાસના વિસ્તારમાં ફર્યો હોવાથી વહીવટી તંત્ર દ્વારા ઉપરોક્ત વિસ્તારને સ્થાનિક સંક્રમણ ઘણી હાલ પૂરતો સીલ કરવામાં આવ્યો છે.
દરમિયાન આજે સવારે ટાઉન હોલ થી ત્રણ બત્તી તરફ આવવાના માર્ગને પણ પોલીસ તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે. અને ટાઉનહોલ તરફના વાહનો ને પંચેશ્વર ટાવર તરફ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે લોક ડાઉન-4 માં છૂટછાટ દરમિયાન સવારે નવ વાગ્યાથી બે વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન રણજીત રોડ પર ખૂબ જ ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાથી તે ટ્રાફિકને હળવો કરવાના ભાગરૂપે આ રસ્તો બંધ કરાયો છે અને વાહન વ્યવહારને પંચેશ્વર ટાવર રોડ તરફ ડાયવર્ટ કરાયો છે.