જામનગર: ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં જથ્થાબંધ વેપારીઓની દુકાનો આજથી ખુલી જતા મામલો થાળે પડ્યો
- રીટેલ વેપારીઓને વાહન સાથે ગ્રેઇન માર્કેટ માં જવાની મંજૂરી નહીં મળતા ઉહાપોહ સર્જાયો
જામનગર, તા. 12 મે 2020, મંગળવાર
જામનગરમા હોલસેલ ના વેપારીઓને ત્યાં ખરીદી કરવા માટે ગગ્રેઈન માર્કેટ ની દુકાનો પાસે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાના કારણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેના કારણે ભારે ઊહાપોહ થયા પછી પોલીસ તંત્ર અને વેપારી સંસ્થાના અગ્રણીઓની બેઠક બાદ ગ્રેઈન માર્કેટ ને ત્રણ કલાક માટે ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે આજે ગ્રેઈન માર્કેટની દુકાનો સવારે અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી ત્રણ કલાક ખુલ્લી રહી હતી. જેથી વેપારીઓમાં હાશકારો થયો હતો.
પરંતુ જામનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી નાના-મોટા વાહનોમાં માલની ખરીદી કરવા માટે આવેલા વેપારીઓને અંદર વાહનો લઇ જવા માટેની છૂટ નહીં મળતા વેપારીઓમાં દેકારો મચી ગયો હતો. પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયો હતો.
જામનગર ગ્રેઈન માર્કેટ ને 17મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયા પછી શહેરમાં ભારે ઊહાપોહ થયો હતો, અને કાળા બજાર થવાની ભીતિ સર્જાઇ હતી.
આ દરમિયાન ગઈકાલે રાત્રે વેપારી આગેવાનો તેમજ પોલીસ તંત્ર સાથેની મીટીંગ યોજાઇ હતી. જેમાં ગ્રેઇન માર્કેટ ને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેનું ધ્યાન રાખીને ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને આજે 11 વાગ્યે જથ્થાબંધ વેપારીઓની દુકાનો ત્રણ કલાક માટે ખુલ્લી રહી હતી, અને રિટેલ વેપારીઓને ખરીદી કરવા માટેની છૂટ અપાઇ હતી.
આજે ૧૧ વાગ્યે રિટેલ વેપારીઓએ માર્કેટમાં પોતાના વાહનો સાથે અનાજ કારિયાણા સહિતનો માલસામાન ખરીદી કરવા માટે વાહન લઇને આવતા વાહનો બહાર મુકવામાં આવ્યા હતા. અને પ્રત્યેક વેપારીને ચાલીને જવા માટેની ફરજ પાડી હતી. બહારગામથી આવેલા વેપારીઓ ને માલ સામાન વાહનમાં મૂકવા માટેની સમસ્યા સર્જાઇ હોવાથી દેકારો થઇ ગયો હતો.
દરમિયાન પોલીસે આવીને સ્થાનિક મજૂરો તેમજ મજુરોના રેકડાને અંદરથી માલની હેરફેર કરવા માટેની છૂટ આપી હતી. અને સ્થાનિક વેપારીઓ તેમજ બહારગામના વેપારીઓ એ તેની મદદથી પોતાનો માલ સામાન ગ્રેઇન માર્કેટ ની બહાર લઈ ગયા હતા.