જામનગરના માસ્તર સોસાયટી માંથી નવજાત શિશુનો મૃતદેહ સાંપડ્યો
જામનગર, તા. 26 માર્ચ 2020, ગુરુવાર
જામનગરમાં નવાગામ ઘેડ માસ્તર સોસાયટી માંથી આજે વહેલી સવારે એક નવજાત શિશુનો મૃતદેહ ગટરમાંથી સાંપડયો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી બાળકને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના નવાગામ ઘેડ માસ્તર સોસાયટી વિસ્તારમાં એક ગટરમાં નવજાત શિશુનો મૃતદેહ દેખાતો હોવાની માહિતી મળતા સૌપ્રથમ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગટરમાંથી બાળકને બહાર કાઢતાં મૃત હાલતમાં હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, અને પોલીસને જાણ કરી હતી.
સીટી બી ડિવિઝન પોલીસે મૃતબાળકનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી હાથ ધરી હતી. કોઇ અજ્ઞાત સ્ત્રી દ્વારા પોતાનો ગર્ભ છુપાવવા માટે અંદાજે ચારથી પાંચ માસના અવિકસિત બાળકના મૃતદેહને ગટરમાં ફેંકી દઈ ભાગી છૂટ્યાં અનુમાન કરાયું છે અને મૃત બાળક ને ત્યજી દેનાર માતા ની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.