Gujarat

જામજોધપુરના લુંટના ગુનામાં 16 વર્ષથી નાસતો ફરતો આરોપી ધ્રોલ પાસેથી ઝડપાયો

By GS Team
14 Feb 20221 min read
This article was originally published on 14 Feb 2022
જામજોધપુરના લુંટના ગુનામાં 16 વર્ષથી નાસતો ફરતો આરોપી ધ્રોલ પાસેથી ઝડપાયો

જામનગર, તા.14

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં આથી 16 વર્ષ પહેલાં લૂંટની એક ઘટનાને અંજામ આપીને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને જામનગરની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ધ્રોળ પંથકમાંથી ઝડપી પાડયો છે, અને જામજોધપુર પોલીસને સુપ્રત કર્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના ગોપ ગામના પાટિયા પાસે હાઈવે રોડ પર વાહનોને આંતરીને લૂંટ ચલાવવાના ગુનાને અંજામ આપીને છેલ્લા 16 વર્ષથી નાસતો ફરતો આરોપી મીઠીયો ઉર્ફે મીઠું અકરમ વસુનિયા, કે જે મૂળ મધ્ય પ્રદેશના વતની છે અને 2006ની સાલમાં લૂંટની ઘટનાને અંજામ આપીને ભાગી છૂટ્યો હતો, અને જામનગર જિલ્લાની પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી.

જે દરમિયાન જામનગરની પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે ઉપરોક્ત આરોપી જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લતીપુર ગામના પાટિયા પાસે આવ્યો છે, જે બાતમીના આધારે ગઈકાલે વોચ ગોઠવી આરોપી મીઠીયો ઉર્ફે મીઠુ વસુનિયાને પકડી પાડયો છે, અને તેને જામજોધપુર પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.