જામનગરમાં 'કોરોના'નો શંકાસ્પદ કેસ: યુવાન ઓબ્ઝર્વેશન હેઠળ
- રાજકોટની યુવતી અને અમરેલીનાં યુવાનનો રીપોર્ટ નેગેટીવ
- જામનગરથી ક્રૂમેમ્બર તરીકે શીપમાં જાપાન અને થાઈલેન્ડનાં પ્રવાસે જઈને પરત ફરેલા યુવકની તબિયત લથડતા આઈસોલેશન વોર્ડમાં દાખલ
જામનગર, તા.07 માર્ચ 2020, શનિવાર
જામનગર નો જ વતની ૨૫ વર્ષીય એક યુવાન કે જે શીપમાં ક્ મેમ્બર તરીકે જોડાયેલો છે, અને એક મહિના દરમિયાન બે દેશોનો વિદેશ પ્રવાસ કર્યા પછી જામનગર પરત ફરતા તેને કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ ગણી તેના સમ્પલો લેવામાં આવ્યા છે અને મોડી રાત્રિ પછી તેનો રિપોર્ટ આવ્યા પછી તેને કોરોના વાયરસ લાગુ પડયો છે કે કેમ? તે જાણી શકાશે.
જામનગરનો જ વતની એક ૨૫ વર્ષીય યુવાન આજથી એક મહિના પહેલા શિપ મારફતે જાપાન અને થાઇલેન્ડના પ્રવાસે ગયો હતો અને હમણા જ એક મહિનાના આ પ્રવાસ પછી ભારત પરત ફર્યો છે. જામનગર આવ્યા પછી તેને તાવના લક્ષણો જણાતા હાલ આઇસોલેટેડ કરાયો છે. આજે સાંજે તેના લોહીના સેમ્પલો એકત્ર કરવામાં આવ્યા છે.
આ અંગે વહીવટી તંત્રએ જણાવ્યું કે, જામનગરની જી.જી. હોસ્પિટલમાં જ કોરોના વાયરસ અંગેની લેબોરેટરી કાર્યરત થઈ ગઈ છે એટલે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર તથા હોસ્પિટલના તજજ્ઞા તબીબો વગેરે દ્વારા યુવાનના બ્લડના સેમ્પલોનું સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે અને મોડી રાત્રે તેનો રિપોર્ટ આવી જશે. હાલમાં શંકાસ્પદ દર્દીને જી.જી. હોસ્પિટલનાં આઇશોલેશન વોર્ડમાં શિફ્ટ કરાયો છે. તેનો રિપોર્ટ આવ્યા પછી વધુ જરૂર જણાશે તો વધારે સારવાર કરવામાં આવશે.
જામનગરમાં આજે કોરોના વાયરસ અંગેનો એક શંકાસ્પદ કેસ સામે આવતા ભારે દોડધામ મચી ગઇ છે અને વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય વિષયક પગલાઓ લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જામનગરના કલેકટર શ્રી રવિશંકરે આજે કોરોના વાયરસની સંભવત: પરિસ્થિતિ માટે લોકોને મેડિકલ માર્ગદર્શન મળી રહે તે માટે ૫ાંચ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા હતા. જેમાં કોઇપણ નંબર પર સંપર્ક કરી જે તે વ્યક્તિ કોરોના અંગે પોતાના સ્વાસ્થ્યને લગતી કોઇ શંકા હોય તો તે બાબતે માર્ગદર્શન મેળવી શકશે. આ નંબર પર વોટસએપ કોલ પણ કરી શકાશે.
નોંધનીય છે કે, અગાઉ જેતપુરની યુવતીનો શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવ્યો હતો, પણ રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. બાદમાં હમણા રાજકોટનું યુગલ સિંગાપોરની ટૂરમાં જઈને પરત આવતા પત્નીની તબીયત લથડી હતી તેમજ અમરેલીમાં પણ ઈટાલીથી આવેલો યુવાન બિમાર પડતા કોરોના વાયરસનાં શંકાસ્પદ કેસ તરીકે નિદાન-સારવાર ચાલુ કરવામાં આવ્યા હતા. જેમાં બન્નેનો રીપોર્ટ નેગેટીવ આવતા વહીવટી અને આરોગ્ય તંત્રને હાંશકારો થયો છે.