Jamnagar

ગરબાના મેદાનથી સીધા ફાફડા-જલેબીની દુકાને દોડી ગયા સુરતીઓ, ગરબાની રમઝટ બાદ ફાફડા-જલેબીની જ્યાફત

By GS Team
20 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતમાં દશેરા પૂર્વે ફાફડા-જલેબીનો સ્વાદ માણવા લોકો ઉમટી પડ્યા. નવરાત્રિના 9મા દિવસે ગરબા બાદ મોડી રાત્રે 2 વાગ્યાથી ફરસાણની દુકાનો પર લાંબી કતારો જોવા મળી. સુરતીઓએ ગરબાના મેદાનથી સીધા જ ફાફડા-જલેબીની જયાફત માણી હતી. આખા શહેરમાં, ખાસ કરીને પ્રખ્યાત દુકાનો પર, સ્વાદપ્રેમીઓની ભીડથી રાતભર ધમધમાટ રહ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગરબાના મેદાનથી સીધા ફાફડા-જલેબીની દુકાને દોડી ગયા સુરતીઓ, ગરબાની રમઝટ બાદ ફાફડા-જલેબીની જ્યાફત

Surat: 'સુરતનું જમણ અને કાશીનું મરણ' કહેવત દાયકાઓથી પ્રચલિત છે અને સુરતીઓના ખાણીપીણીના શોખે આ કહેવતને આજે પણ જીવંત રાખી છે. દશેરાની પૂર્વ રાત્રે સુરતમાં ફાફડા-જલેબી માટે જોવા મળેલી ભીડે ફરી એકવાર આ વાતની પ્રતીતિ કરાવી હતી. નવરાત્રિના નવમા દિવસે ગરબાની રમઝટ બોલાવ્યા બાદ અનેક ખેલૈયાઓ ગરબાના મેદાનથી સીધા ફાફડા-જલેબીની દુકાનો પર પહોંચી ગયા હતા. રાતના બે વાગ્યાથી જ શહેરના અનેક વિસ્તારોમાં ફરસાણની દુકાનો પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. ગરબાની મોજ બાદ ફાફડા-જલેબીનો સ્વાદ માણવા નીકળેલા સુરતીઓના ઉત્સાહથી અનેક દુકાનો આખી રાત ધમધમતી રહી હતી.

દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરા સુરતીઓ માટે તહેવારની ઉજવણીનો જાણે અભિન્ન હિસ્સો બની ગઈ છે. સવારના નાસ્તા માટે ફાફડા-જલેબી ખરીદવા નીકળેલા લોકોમાં કેટલાકે મનપસંદ દુકાનમાંથી ખરીદી કરવા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું. નવરાત્રિના નવમા દિવસની મધરાતથી શરૂ થયેલી ખરીદીનો માહોલ દશેરાના દિવસે પણ યથાવત્ રહ્યો હતો. કેટલાક સ્વાદપ્રેમીઓ ફાફડા-જલેબી ખરીદીને રસ્તા પર કે પોતાનાં વાહનોમાં જ બેસીને તેની જયાફત માણતા જોવા મળ્યા હતા. આમ, ગરબાના મેદાનથી શરૂ થયેલો સુરતીઓનો ઉત્સાહ ફાફડા-જલેબીની દુકાનો સુધી જળવાઈ રહ્યો હતો. જોકે, ફાફડા-જલેબીની ઘરાકીમાં દરેક દુકાન પર એકસરખો માહોલ જોવા મળ્યો નહોતો.

ફાફડા-જલેબી માટે પ્રખ્યાત કેટલીક દુકાનો પર ગ્રાહકોની ભારે ભીડ અને લાંબી કતારો જોવા મળી હતી, જ્યારે બીજી તરફ કેટલીક દુકાનો પર વેપારીઓ ગ્રાહકોની રાહ જોતા નજરે પડ્યા હતા. દશેરાના દિવસે ફરસાણની દુકાનો પર વિશેષ ચહલપહલ રહેતી હોય છે અને ફાફડા-જલેબીની ખરીદી માટે સ્થાનિક લોકો ઉપરાંત બહારગામથી આવેલા સ્વાદપ્રેમીઓ પણ ઉમટી પડે છે.હીરા અને કાપડના વેપારની સાથે સુરતની ખાણીપીણી પણ આગવી ઓળખ ધરાવે છે.

દશેરાની પૂર્વ રાત્રે મોડી રાત સુધી ફાફડા-જલેબીની દુકાનો પર જોવા મળેલી ચહલપહલ સુરતીઓના ઉત્સવપ્રેમ અને સ્વાદપ્રેમનો અનોખો નમૂનો બની રહી હતી. ગરબાની રમઝટ, મોડી રાતની ખરીદી અને ફાફડા-જલેબીની જયાફત સાથે સુરતીઓએ દશેરાના ઉત્સવનો રંગ પોતાના આગવા અંદાજમાં માણ્યો હતો.