જામનગર: મોટી લાખણી ગામમાં શ્રમિક યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત
- સાળીનો હાથ પકડતા સાઢુભાઈ જોઈ ગયો હોવાથી ઠપકો આપતા આપઘાતનું પગલું ભર્યું
જામનગર, તા. 21 એપ્રીલ 2020, મંગળવાર
મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર નો વતની અને હાલ જામનગર તાલુકાના મોટી લાખાણી ગામની સીમમાં પ્રદિપસિંહ લાલુભા જાડેજા ની વાડી માં રહીને ખેત મજૂરી કામ કરતા દીપસંગ નાનકા ભાઈ માવી નામના ૩૮ વર્ષના આદિવાસી શ્રમિક યુવાને પોતાની વાડીના શેઢે ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકની પત્ની એ પોલીસને જાણ કરતા પંચકોશી એ ડીવીઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન મૃતક શ્રમિક એ પોતાની સાળી કે જે તે જ વિસ્તારમાં રહે છે તેનો હાથ પકડ્યો હોવાથી સાઢુભાઈ જોઈ ગયો હતો અને સાઢુભાઈ આવું કૃત્ય નહીં કરવા બાબતે ઠપકો આપતા માઠું લાગવાથી ગળાફાંસો ખાઇ લીધો હોવાનું જાહેર કરાયું છે. પોલીસ આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. મૃતદેહને અંતિમ વિધિ માટે વતનમાં મોકલી અપાયો છે.