જામનગર: લાલપુર તાલુકાના હરીપર ગામમાં શ્રમિક યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત
- દારૂ પીવાની ટેવ અંગે પત્ની સાથે બોલાચાલી થયા પછી ભરેલું અંતિમ પગલું
જામનગર, તા. 12 એપ્રિલ 2020 રવિવાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામ માં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજુરી કામ કરી રહેલા શ્રમિક યુવાને ગઈકાલે પોતાની વાડીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોતાની દારૂ પીવાની ટેવ અંગે પત્ની સાથે બોલાચાલી થયા પછી આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના હરીપર ગામ ની સીમમાં એક વાડીમાં રહેતા સુંદરિયા બીજેસિંહ કનેશિયા નામના 22 વર્ષના આદિવાસી ભીલ શ્રમિક યુવાને ગઈકાલે પોતાની વાડીમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક દારૂ પીવાની ટેવવાળો હતો અને કોઈ કામ ધંધો કરતો ન હતો. જેથી પત્નીને કામ કરવું પડતું હતું. જે મામલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્નીએ ઠપકો આપવા થી માઠું લાગી આવ્યું હતું અને પતિએ આપઘાત કરી લીધો છે. લાલપુર પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.