Jamnagar

જામનગરમાં શિવમ રેસીડેન્સી વિસ્તારમાં દારૂના નશામાં તોફાન કરતા પિતાને પુત્રએ 112માં ફોન કરી પોલીસને પકડાવ્યા

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં શિવમ રેસીડેન્સી ખાતે દારૂના નશામાં ધૂત પિતા ઉમેદભાઈ લખીયર ઘરમાં તોફાન મચાવતા હતા. પુત્ર સાગરભાઈએ કંટાળીને 112 નંબર પર ફોન કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઉમેદભાઈને ઝડપી પાડી, તબીબી તપાસ કરાવતા તેઓ નશામાં હોવાનું જણાયું હતું. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં શિવમ રેસીડેન્સી વિસ્તારમાં દારૂના નશામાં તોફાન કરતા પિતાને પુત્રએ 112માં ફોન કરી પોલીસને પકડાવ્યા

Jamnagar News : જામનગર શહેરના શિવમ રેસીડેન્સી વિસ્તારમાં દારૂના નશામાં પિતા ઘરમાં તોફાન કરતા હોવાથી પુત્રએ 112 નંબર પર ફોન કરી પોલીસને બોલાવી પિતાને પોલીસ હવાલે કરાવ્યા હોવાની ઘટના સામે આવી છે.
મળતી વિગત મુજબ, શિવમ રેસીડેન્સી, ફ્લેટ નં.203માં રહેતા સાગર ઉમેદભાઈ લખીયર (ઉ.વ.26) તા.7ના સાંજના સવા પાંચેક વાગ્યાના અરસામાં તેમના પિતા ઉમેદભાઈ વલ્લભભાઈ લખીયર દારૂના નશામાં તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. પિતાના તોફાનથી કંટાળીને સાગરભાઈએ સાંજે આશરે 5:26 વાગ્યે 112 નંબર પર ફોન કર્યો હતો.
ફોનના પગલે થોડા સમય બાદ જનરક્ષક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. જનરક્ષક મોબાઈલમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલએ પોલીસની ઓળખ આપી હતી અને ઉમેદભાઈને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.
પોલીસ સ્ટેશન ખાતે પંચોની હાજરીમાં ઉમેદભાઈનું નિરીક્ષણ કરતાં તેઓ દારૂના નશામાં હોવાનું જણાયું હતું. પોલીસના જણાવ્યા મુજબ તેમની જીભ થોથરાતી હતી, આંખો નશાના કારણે લાલચોળ જણાતી હતી તેમજ તેમને હલાવી-ચલાવી તપાસ કરતાં શરીરનું સંતુલન જાળવી શકતા ન હતા.
આથી પોલીસે ઉમેદભાઈને કેફી પીણું પી જાહેરમાં નશાની હાલતમાં ફરવા અંગે કોઈ પાસ-પરમીટ હોય તો રજૂ કરવા જણાવ્યું હતું. જોકે, તેમની પાસે આવી કોઈ પાસ-પરમીટ ન હોવાનું જણાવ્યું હતું. જનરક્ષક મોબાઈલના ઈન્ચાર્જએ તેમને પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે સાંજે 5:45થી 6:15 વાગ્યા સુધી પંચનામું કરવામાં આવ્યું હતું અને પંચનામું પૂર્ણ થયા બાદ સાંજે 6:15 વાગ્યે ઉમેદભાઈની ધોરણસર ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) અને 85(1) મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.