જામનગર: દરેડમાં કોરોનાવાયરસ સંક્રમિત બાળકના મૃત્યુ પછી અન્ય 31 વ્યક્તિઓના સેમ્પલો લેવાયા
- જી જી હોસ્પિટલ ની ટીમ દ્વારા રાત્રી ભર લેબોરેટરી ચાલુ રાખી પરીક્ષણ કરાતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા: વહીવટી તંત્રને હાશકારો
જામનગર, તા. 08 એપ્રીલ 2020, બુધવાર
જામનગર તાલુકાના દરેડ ગામમાં એક શ્રમિક પરિવાર નું ૧૪ મહિના નું બાળક કોરોનાવાયરસ ના સંક્રમિત બન્યા પછી મૃત્યુ નિપજતાં જામનગર નું વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું અને દરેડ વિસ્તારમાં ફરીથી આરોગ્ય વિભાગની ટીમ દોડતી કરી દેવાઈ હતી.
બાળકના મકાન અને આસપાસના વિસ્તારમાંથી તેમ જ બાળકના પરિવાર સાથે સંપર્કમાં આવેલી કુલ 31 વ્યક્તિના સેમ્પલો એકત્ર કરવામાં આવ્યા છે અને જામનગરની જી.જી હોસપીટલ ચકાસણી કરવામાં આવી હતી અને રાત્રી ભર લેબોરેટરી ચાલુ રાખી ચકાસણી કરવામાં આવતાં તમામ 31 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
જામનગર નજીક દરેડમાં શ્રમિક પરિવારના 14 મહિના ના બાળક નું ગઈકાલે રાત્રે જામનગરની જી.જી હોસ્પિટલના બિછાને કોરોનાવાયરસ ની બીમારીના કારણે મૃત્યુ થયા પછી જામનગર જીલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. બાળક જે વિસ્તારમાં રહેતું હતું તે સમગ્ર વિસ્તાર બે દિવસથી સીલ કરાયો છે.
પરંતુ બાળકના મૃત્યુના અહેવાલ પછી તેના આસપાસના મકાનોમાં રહેતા ઉપરાંત બાળકના પરિવાર સાથે જોડાયેલી અન્ય વ્યક્તિ અને તેના સંપર્કમાં આવેલી વ્યક્તિઓ વગેરે મળી કુલ 31 લોકોના સૅમ્પલો લેવામાં આવ્યા હતા, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં તમામ ની ચકાસણી કરવામાં આવી હતી.
જામનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ મામલે ભારે સતર્કતા દાખવી ને પ્રત્યેક વ્યક્તિને શોધી લીધા પછી દરેડ વિસ્તારમાં જ હોમ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે ત્યાર પછી જામનગરની સરકારી જી.જી હોસપીટલ ની લેબોરેટરી ગઈકાલે રાત્રીભર ચાલુ રાખવામાં આવી હતી અને તમામ 31 સેમ્પલો નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ 31 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવતા સમગ્ર તંત્રએ હાશકારો અનુભવ્યો છે. સાથોસાથ દેવભૂમિ દ્વારકા ના એક કોરોના વાયરસના શંકાસ્પદ દર્દી નું સેમ્પલ આવ્યું હતું, જેની તપાસણી દરમિયાન તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.