ખંભાળિયા: ગ્રામ્ય શાળાના શિક્ષક દંપતી વિરૂદ્ધ બોગસ સર્ટિફિકેટ બનાવવા બાબતે ગુનો નોંધાયો
- વતનમાં બદલી કરાવવા કિડનીની બીમારીનું ખોટું સર્ટિ બનાવ્યું
ખંભાળિયા, તા. 18 માર્ચ 2020 બુધવાર
ખંભાળિયા પંથકની બે શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષક દંપતીએ પોતાની બદલી વતનમાં થાય તે માટે બોગસ સર્ટી બનાવવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે ધોરણસર ગુનો નોંધાયો છે.
આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે જુદી જુદી સરકારી પ્રાથમિક શાળાઓમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને તાલુકાના ભાડથર ગામે રહેતા દંપતી મુળ વતન ખેડા જિલ્લા બાજુના છે.
આ દંપતી પામીનભાઈ ચીમનભાઈ રૂડાણી તથા કોમલબેન વસંતભાઈ પટેલને પોતાની જિલ્લાફેર વતન બાજુ બદલી કરાવી હતી. આથી આ બંનેએ અંગત લાભ માટે કાવતરૂ રચી કોમલબેનને કિડનીની ગંભીર બીમારી હોવાનું જાહેર કરવા માટે અમદાવાદની ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડીસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર હોસ્પિટલનું બોગસ સર્ટિફીકેટ બનાવ્યાનું ખુલવા પામ્યુ છે.
આ સમગ્ર પ્રકરણ અંગે અહીંના શિક્ષણ વિભાગના રમણભાઈ અરજણભાઈ કરમુર (ઉ. વ. 46)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે શિક્ષક દંપતી સામે ગુનો નોંધ્યો છે.