Jamnagar

જામનગરમાં નિવૃત્ત બેંક કર્મચારી ડિજિટલ અરેસ્ટનો બન્યા ભોગ, મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગમાં ફસાવવાની ધમકી આપી ₹42 લાખ પડાવ્યા

By GS Team
13 Nov 20263 mins read
TukuTouch Logo
જામનગરમાં સાયબર ઠગબાજોએ નિવૃત્ત બેંક કર્મચારી જયેશ ઓઝાને ડિજિટલ ધરપકડનો ભય બતાવી છેતરપિંડી આચરી છે. CBI અને RBIના અધિકારી તરીકે ઓળખ આપી, મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગમાં ફસાવવાની ધમકી આપી, કુલ ₹42.25 લાખ પડાવી લીધા. ભોગ બનનાર ઓઝાએ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં નિવૃત્ત બેંક કર્મચારી ડિજિટલ અરેસ્ટનો બન્યા ભોગ, મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગમાં ફસાવવાની ધમકી આપી ₹42 લાખ પડાવ્યા

Jamnagar Digital Arrest Cyber Fraud: જામનગરમાં સાયબર ઠગબાજોએ સીબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય સરકારી તપાસ એજન્સીના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી 63 વર્ષના નિવૃત્ત બેંક કર્મચારીને ડિજિટલ ધરપકડનો ભય બતાવી રૂ.42.25 લાખની રકમ પડાવી લીધા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર જયેશ પરશોત્તમભાઈ ઓઝાએ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરમાં નિવૃત્ત બેંક કર્મચારી ડિજિટલ અરેસ્ટનો બન્યા ભોગ

ફરિયાદમાં જણાવ્યા મુજબ, જામનગરના કિસાન ચોક વિસ્તારમાં દ્વારકાપુરી મંદિર સામે બ્લોક નંબર-2માં રહેતા અને વર્ષ 2018માં બેંકની નોકરીમાંથી નિવૃત્ત થયેલા જયેશ પરશોત્તમભાઈ ઓઝાના મોબાઇલ ફોન પર ગત 10 ઑક્ટોબર, 2026ના રોજ સવારે આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે તેમના સાળાના ફોન પર ફોન આવશે તેમ કહી કોલ કટ કર્યો હતો. ત્યારબાદ અન્ય મોબાઇલ નંબર પરથી વોટ્સએપ કોલ કરી પોતે રાહુલ કુલકર્ણી, ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઇન્ડિયાના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ઓળખ આપી હતી.

મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગમાં ફસાવવાની ધમકી આપી ₹42 લાખ પડાવ્યા

આ શખસે ફરિયાદીને જણાવ્યુ હતુ કે, તમારા આધારકાર્ડ પરથી એક સીમકાર્ડ લેવામાં આવ્યું છે, જેનો ઉપયોગ અનેક લોકોના બિભત્સ ફોટા અને વીડિયો મોકલવા તેમજ ગેરકાયદે જાહેરાતો મોકલી લોકોને હેરાન કરવા માટે થયો છે. આથી ફરિયાદીએ પોતે આવું કોઈ કૃત્ય કર્યું નથી તેમ જણાવતાં ઠગબાજોએ તેમને અલગ રૂમમાં રહેવાની અને કોઈને આ બાબતની જાણ નહીં કરવાની સૂચના આપી હતી. જો અન્ય કોઈને જાણ કરશે તો નેશનલ સિક્યુરિટીનો ભંગ ગણાવી ધરપકડ કરવાની ધમકી પણ આપી હતી.

આટલું જ નહીં, ફરિયાદીના આધારકાર્ડ અને અન્ય વિગતોનો ઉપયોગ કરી સીમકાર્ડ લેવામાં આવ્યું હોવાની વાત કરી મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં આશરે 20 જેટલા લોકો સામે ગુનો નોંધાયો હોવાનું જણાવી ફરિયાદીને ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું કહી ભયભીત કર્યા હતા.

ત્યારબાદ ઠગબાજોએ ફરિયાદીને આધારકાર્ડ અને બેંક ખાતાની વિગતો મેળવી તપાસના નામે નાણાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. પોતે નિર્દોષ હોવાનું સાબિત કરવા માટે બેંકમાં રહેલી રકમ તપાસ માટે મોકલવી પડશે અને તપાસ પૂર્ણ થયા બાદ પરત મળી જશે તેવી ખાતરી આપી હતી.

મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગના ગુનામાં સંડોવાયેલા હોવાનું કહી ખોટી નોટિસો મોકલી

ફરિયાદીના જણાવ્યા મુજબ, ઠગબાજોએ તેમને મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગના ગુનામાં સંડોવાયેલા હોવાનું જણાવી સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા અન્ય સંસ્થાઓના નામે ખોટા દસ્તાવેજો અને નોટિસો મોકલી હતી. આ ઉપરાંત એક અજાણ્યા વ્યક્તિના નામે ફોન કરાવી ધાકધમકી આપવામાં આવી હતી.

42 લાખ રૂપિયાની છેતરપિંડી

આ રીતે અલગ અલગ તબક્કે ફરિયાદી પાસેથી વિવિધ બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જેમાં 12 ઑક્ટોબરના રોજ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં રૂ.3,15,000ની માંગણીના નામે રકમ ટ્રાન્સફર કરાવવા દબાણ કરાયું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં છે. ત્યારબાદ અન્ય બેંક ખાતાઓમાં પણ રૂ. 10 લાખ અને રૂ. 17 લાખ સહિતની રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. આ સમગ્ર બનાવમાં ફરિયાદીને કુલ રૂ. 42,25,000ની ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનાવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

સતત 15 દિવસ ઠગબાજો સંપર્કમાં રહ્યા

આશરે પંદર દિવસ સુધી ઠગબાજો સતત ફોન અને વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં રહ્યા હતા અને વધુ નાણાંની માંગણી કરતા હતા. અંતે ફરિયાદીને શંકા જતાં તેમણે પરિવારજનો અને સંબંધીઓ સાથે વાતચીત કરી સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા માહિતી ટેકનોલોજી અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે ઓનલાઇન નાણાકીય વ્યવહારો અને ઠગાઈમાં સંડોવાયેલા શખસોની તપાસ હાથ ધરી છે.